રાજકોટ સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં વેન્ટિલેટરમાં આગ લાગતાં વૃદ્ધ દાઝ્યા : માંગરોળના દર્દીએ બુમાબુમ કરતા સ્ટાફ દોડ્યો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારે ટીબી વોર્ડમાં વેન્ટિલેટરમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં ટીબીની સારવાર માટે દાખલ માંગરોળના વૃદ્ધ દર્દી મોઢાના ભાગે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. જો કે, આ ગંભીર બનાવ અંગે રાબેતા મુજબ જ સિવિલ હોસ્પિટલ દ્વારા ઢાકાઢુંમ્બો કરાવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે અને વેન્ટિલેટરમાં નહીં પણ વેન્ટિલેટરના માઉથપીસમાં આગ લાગી હોવાના કારણો જણાવી હાલમાં સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટના માર્ગદર્શન હેઠળ તપાસ ચાલી રહી હોવાનું આરએમઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં ગુરુવારે વહેલી સવારે વિચિત્ર ઘટના બની હતી જેમાં વેન્ટિલેટરમાં આગ લગતા સારવારમાં રહેલા જૂનાગઢના માંગરોળના દર્દી મહમદહુસેન અલ્લારખાભાઇ સિપાઈ ઉ.65 મોઢાના ભાગે દાઝી ગયા હતા.ટીબીના દર્દી મહમદહુસેન ગત તા.14 ઓક્ટોબરના રોજ સિવિલમાં સારવાર માટે દાખલ થયા હતા જેમાં ગુરુવારે વહેલી સવારે 4 વાગ્યાના સુમારે તેઓ ભરઊંઘમાં હતા ત્યારે અચાનક જ મોઢાના ભાગે કશુંક ગરમ-ગરમ લાગતા તેઓ બેબાકળા બનીને રાડો પાડતા ફરજ પરનો નર્સીંગસ્ટાફ દોડી આવ્યો હતો અને વેન્ટિલેટરમાં આગ લાગી હોવાનું જણાતા ફાયર એક્સીગ્યુટરનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
આ પણ વાંચો :પરેશ રાવલની ફિલ્મ The TAJ Storyનું ટ્રેલર રીલીઝ : શું છે તાજમહેલના 22 બંધ રૂમ પાછળનું રહસ્ય? અનેક રાઝ ખુલશે
ટીબી વોર્ડમાં આગની ઘટના અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના મીડિયા ઇન્ચાર્જ અને આરએમઓ દૂસરાએ જણાવ્યું હતું કે, વેન્ટિલેટરના માઉથપીસના ભાગે આગ લાગતા દર્દી મોઢાના ભાગે દાઝી ગયા હતા. ઘટના અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાએ વેન્ટિલેટરમાં આગ લાગી હોવાનું સ્વીકારી હાલમાં ટેક્નિકલ નિષ્ણાંત મારફતે તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. ઉલ્લખનીય છે કે, વેન્ટિલેટરમાં ઇલેક્ટ્રિકલ ખામીઓ, ઓક્સિજનની વધુ માત્રા અને અયોગ્ય જાળવણીના કારણે આગ લાગવાના બનાવ બનતા હોય છે ત્યારે રાજકોટ સિવિલમાં સારવાર કરાવી સાજા થવા આવેલ દર્દી સાથે આકસ્મિક ઘટના બની જતા ભારે ચકચાર જાગી છે.જો કે,વહેલી સવારે બનેલી આ ઘટના છુપાવવા પ્રયાસો પણ થયા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :ગુજરાત સરકારના મંત્રીમંડળ વિસ્તરણનું કાઉન્ટડાઉન: CM સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા,રાજ્યપાલને સોંપાશે નવા મંત્રીમંડળનું લિસ્ટ
વેન્ટિલેટર બેલ કંપનીનું હોવાનું સામે આવ્યું
રાજકોટની સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં દાખલ વૃદ્ધ દર્દી વેન્ટિલેટરમાં આગ લાગવાથી મોઢાના ભાગે દાઝી જવાની ઘટનામાં દર્દીને જે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા તે વેન્ટિલેટર બેલ કંપનીનું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, રાજકોટ સિવિલમાં કોરોના કાળમાં હજારોની સંખ્યામાં વેન્ટિલેટર આવ્યા હતા જે પૈકી સ્વદેશી ધમણ સહિતના અનેક વેન્ટિલેટર હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે ત્યારે વેન્ટિલેટરમાં આગ લાગવાની ઘટનાથી વેન્ટિલેટરના રખરખાવમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.
