જસદણ નજીક ‘હિટ એન્ડ રન’ માં વૃદ્ધ દંપતિનું મોત : રસ્તો ઓળંગતા હતાં ત્યારે કાર ચાલક ઠોકરે ચડાવી ભાગી ગયો
જસદણના ગોખલાણા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં જસદણના પ્રૌઢ અને તેમના પત્નિના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. આ બંને ગોખલાણા નજીક આવેલા ફાર્મ હાઉસમાં ચોકીદારીની નોકરી કરતાં હોઇ રાત્રે ફાર્મ હાઉસ નજીક રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે અજાણ્યો કારચાલક ઠોકરે લઇ ભાગી જતાં પતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે પત્નિને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિં તેમણે પણ દમ તોડી દેતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી છે.
વિગતો મુજબ જસદણ રહેતાં જુગાભાઇ પોપટભાઇ સાપરા (ઉ.વ.૫૮) અને તેમના પત્નિ શામુબેન જુગાભાઇ સાપરા (ઉ.વ.૫૫) રાતે સાડા આઠેક વાગ્યે જસદણ નજીકના ગોખલાણા-ગઢડીયા ચોકડી વચ્ચે ગાયત્રી મારબલ નજીક માનસી ફાર્મહાઉસ પાસે રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે અજાણી કારના ચાલકે બંનેને ઠોકર મારી ભાગી ગયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજા થતાં જુગાભાઇ સાપરાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે તેમના પત્નિ શામુબેન સાપરાને જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું પણ મૃત્યુ થયું હતું.

બનાવની માહિતી મળતાં જસદણ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર જુગાભાઇ સાપરા ચાર ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. કેટલાક સમયથી જુગાભાઇ અને તેમના પત્નિ શામુબેન ગોખલાણા પાસે માનસી ફાર્મમાં નોકરી કરતાં હતાં અને ત્યાં જ રહેતાં હતાં.રાત્રે ફાર્મ હાઉસ નજીક કોઇ કામ માટે નીકળ્યા ત્યારે બંને પતિ-પત્નિ રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે એક કાર પૂરપાટ ઝડપે આવી હતી અને બંનેને ઠોકરે ચડાવી દીધા હતાં. આ અકસ્માત બાદ ચાલક કાર લઇ ભાગી ગયો હતો. પોલીસે ઘટના સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથધરી છે.