રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠિયા પર ED કરશે કાર્યવાહી : મની લોન્ડરિંગનો કેસ ચલાવવા RMC સ્ટેન્ડિંગ કમિટીની લીલીઝંડી
રાજકોટ મહાપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં નવું ફાયર સ્ટેશન બનાવવા, ફાયર વિભાગમાં એડિશનલ ચીફ ફાયર ઓફિસરની ભરતી કરવા સહિતની 63 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. જેમાંની એક દરખાસ્ત પૂર્વ TPO મનસુખ સાગઠિયા સામે ગુન્હો નોંધવા ED દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી હતી.

EDએ RMC પાસે મંજૂરી માંગતી દરખાસ્ત કરી હતી
TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મુખ્ય સહઆરોપી રાજકોટના પૂર્વ TPO મનસુખ સાગઠીયા સામે ગુનો નોંધવા EDએ RMC પાસે મંજૂરી માંગતી દરખાસ્ત કરી હતી ત્યારે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. જનરલ બોર્ડની મંજૂરી બાદ સાગઠીયા સામે ગુનો નોંધી ED કાર્યવાહી કરવામાં આવશે. મનપાના પૂર્વ ટાઉન પ્લાનીગ અધિકારી મનસુખ સાગઠિયાની રૂ.21 કરોડની મિલ્કતો પ્રિવેન્સન ઓફ મની લોન્ડરિંગ એકટની કલમ 5 હેઠળ તા.28.05.2024ના રોજ જપ્તીમા લીધા બાદ દિલ્હીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાજકોટ મહાનગર પાલિકા પાસે ફરિયાદ દાખલ કરવા મંજૂરી માગી હતી ત્યારે હવે સાગઠિયા સામે કેસ ચલવવા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે.

કમિટી ચેરમેન જયમીન ઠાકરના વડપણ હેઠળ મળનારી આ બેઠકમાં વોર્ડ નં.17માં વિરાટનગર, પારડી રોડ ઉપર 21.55 કરોડના ખર્ચે ગ્રાઉન્ડ ફ્લોર+સાત માળનું 2 બીએચકેના 46 અને 3 બીએચકેના 4 સ્ટાફ ક્વાર્ટર્સ સહિતની સુવિધા ધરાવતું ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્ત પર નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફાયર શાખામાં એડિશનલ ચીફ ફાયર ઓફિસરની ભરતી તેમજ વધુ બે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ભરતી કરવાની દરખાસ્ત પર નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરખાસ્તને મંજૂરી મળી ગઈ ત્યાર બાદ ફાયર વિભાગમાં સ્ટાફનું સેટઅપ 696માંથી 699 થશે.

જો કે એ વાત પણ નોંધવી રહી કે હજુ સુધી મહાપાલિકાને કાયમી ચીફ ફાયર ઓફિસર પણ મળ્યા નથી. આ ઉપરાંત ટીઆરપી ગેઈમઝોન અગ્નિકાંડના જવાબદાર તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સામે એસીબી દ્વારા ઈડીમાં મની લોન્ડરિંગનો ગુનો દાખલ કરાવ્યા બાદ આ કેસ ચલાવવાની મંજૂરી આપવાની દરખાસ્ત પણ કરવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવી છે.