સુરેન્દ્રનગરમાં EDના ધામા : કલેક્ટર અને ડેપ્યુ.મામલતદારના ઘરે તપાસ,બેનામી સંપત્તિ મળવાની શક્યતા
સુરેન્દ્રનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ED (Enforcement Directorate) દ્વારા જિલ્લા કલેકટર અને નાયબ મામલતદારના ઘરે ED દ્વારા દરોડા પાડવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વહેલી સવારથી કાર્યવાહી શરૂ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે મોટા પ્રમાણમાં બેનામી સંપતિ મળવાની સંભાવના છે.વઢવાણ- સુરેન્દ્રનગરમાં કુલ બે સ્થળે કાર્યવાહી ED દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના?
ED અધિકારીઓની એક ટીમે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલના ઘરે પર દરોડા પાડવાનું શરૂ કર્યું, જ્યારે બીજી ટીમે વઢવાણના રાવલવાસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાન પર તપાસ હાથ ધરી છે. બેનામી સંપતિ અંગે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હોવાની ચર્ચા થઈ રહી છે. ક્લાસ-1 અધિકારીને ત્યાં અચાનક ઈડી દ્વારા દરોડા પાડતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
વઢવાણ અને સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી બે સ્થળે ૮ ગાડીઓ આવી ગઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી બે સ્થળોએ EDએ તપાસ હાથ ધરી છે. એક ટીમ કલેક્ટરના બંગલે તપાસ કરી રહી છે. તો બીજી ટીમ વઢવાણમાં નાયબ મામલતદારને ત્યાં તપાસ કરી રહી છે. મહત્વનું છે કે, કયા મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે તે જાણી શકાયું નથી. EDના સર્ચ ઓપરેશનની જાણ થતાં જ અન્ય અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
