ખ્યાતી હોસ્પિટલની તપાસમાં ઝુકાવતુ ઇડી : મોટાપાયે મની લોન્ડરિંગની શંકા
૧૨ વર્ષના ઓડીટ રીપોર્ટ કબજે કરાયા : ૩ વર્ષમાં ૩૮૦૦ ઓપરેશન છતાં નહી નફો-નહી નુકસાન દર્શાવ્યુ છે : વધુ એક ગુનો દાખલ થવાની સંભાવના
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલકાંડમાં ચાલી રહેલી તપાસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)જોડાયુ છે. અધિકારીઓને શંકા છે કે, અહી મોટાપાયે મની લોન્ડરિંગ થયું છે. અમદાવાદ પોલીસના સુત્રોએ કહ્યું હતું કે, ૨૦૧૨થી ૨૦૨૪ સુધીમાં ઓડીટ રીપોર્ટ ઇડીને સોંપવામાં આવ્યા છે.
ખ્યાતી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં ૩૮૦૦ જેટલા ઓપરેશન થયા છે આમ છતાં ચોપડે એક પણ રૂપિયાનો નફો કે ખોટ દર્શાવવામાં આવી નથી. ઇડીને શંકા છે કે ગેરકાયદેસર માધ્યમથી મેળવેલા નાણાંનુ લોન્ડરિંગ કરવામાં આવ્યું છે. આ દિશામાં તપાસ કર્યા પછી ખ્યાતી હોસ્પિટલ સામે કેસ નોંધાય તેવી શક્યતા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ખ્યાતી હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત અને રાહુલ જૈને તેમના નિવેદનોમાં છ અન્ય હોસ્પિટલોના નામ આપ્યા છે જ્યાં તેઓએ PMJAY મેડિકલ સ્કીમ હેઠળ “સર્જરીઓ” પણ કરી હતી. આ હોસ્પિટલમાં પણ તપાસ કરવામાં શરુ કરવામાં આવી છે. પોલીસે આ છ હોસ્પિટલોને PMJAY યોજનાઓ હેઠળ સારવાર કરાયેલા દર્દીઓના મેડિકલ રેકોર્ડ આપવા કહ્યું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતી હોસ્પિટલમાં હાર્ટ સર્જરી દરમિયાન થયેલા અન્ય ચાર મૃત્યુની પણ સત્તાવાર રીતે તપાસ શરૂ કરી છે.
તપાસનીશ અધિકારીના જણાવ્યા અનુસાર, ખ્યાતી હોસ્પિટલના છેડછાડ કરાયેલ ઓડિટ રિપોર્ટ દર્શાવે છે કે 2021-2022માં, કોઈ નફો કે નુકસાન થયું ન હતું, “2022-2023 માં, ખ્યાતી હોસ્પિટલ ખોટ દર્શાવે છે, અને 2023-2024 માં, 1,500 સર્જરીઓ કરવા છતાં, હોસ્પિટલે 1.5 કરોડ રૂપિયાની ખોટ દર્શાવી છે, જે ખૂબ જ અવિશ્વસનીય છે.” નિષ્ણાતો ઓડિટ રિપોર્ટની તપાસ કરી રહ્યા છે, અને ટૂંક સમયમાં હોસ્પિટલ વિરુદ્ધ બીજી એફઆઈઆર દાખલ કરવામાં આવી શકે છે.
આ અધિકારીએ એમ પણ કહ્યું હતું કે, અમે હજુ પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને બજાજ આલિયાન્ઝ વીમા કંપનીના કેટલાક અધિકારીઓની કથિત સંડોવણીની તપાસ કરી રહ્યા છીએ.