હિરલબા જાડેજાના પ્રકરણમાં દુબઇ કનેક્શન ખુલતા આંતરરાષ્ટ્રીય કૌભાંડના સંકેત, જાણો શું છે સમગ્ર મામલો
પોરબંદરનાં મહિલા અગ્રણી તરીકે ઓળખાતી હિરલબા જાડેજા અને તેમના સહયોગી હિતેશ ઓડેદરા વિરુદ્ધ નોંધાયેલ સાઇબર ક્રાઈમ કેસમાં ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવી રહ્યા છે. આ કેસમાં વધુ એક ચોંકાવનારો મુદ્દો એ છે કે આઇ.પી. એડ્રેસની તપાસ દરમ્યાન પોલીસને એવાં પુરાવા મળ્યા છે કે ગુનામાં વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક તથા દુબઈના નેટવર્કનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી આ કૌભાંડ માત્ર પોરબંદર કે ગુજરાત પૂરતું મર્યાદિત નથી. તેનું કનેક્શન આંતરરાષ્ટ્રીય સ્તરે થયો હોવાનું સ્પષ્ટ થાય છે. પોલીસે આરોપી હિરલબા અને હિતેશને મંગળવારે જૂનાગઢ જેલ ખાતેથી હસ્તગત કરી 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, જેને પગલે કોર્ટે બંનેને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. આ દરમિયાન પોલીસને કેટલાંક એવા પુરાવાઓ મળ્યા છે જેને આધારે સમગ્ર ગુજરાતમાં જ નહિ પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ કૌભાંડની શકયતાઓ સેવાઇ રહી છે.
આંગડિયા પેઢીઓ મારફતે ચાલતા કૌભાંડનું સંકેત
પોલીસ તપાસમાં એ પણ ખુલ્યું છે કે કેટલાક ટ્રાન્ઝેક્શન આંગડિયા પેઢીઓ મારફતે કરવામાં આવ્યા છે અને તેમાં વ્યાપારિક હવાલાની આડમાં કરોડો રૂપિયાનું મની લોન્ડિંરગ થયું છે. પોલીસ દ્વારા પેઢીઓના રેકોર્ડ ચકાસી રહી છે અને જરૂરી કાયદાકીય કાર્યવાહી માટે આવકવેરા વિભાગ અને નાણાકીય ગુના શાખાની પણ મદદ લેવામાં આવી શકે છે.
15 એકાઉન્ટ હોલ્ડરો સામે 50થી વધુ ફરિયાદો
સંદિગ્ધ બેંક એકાઉન્ટની વાત કરીએ તો અત્યાર સુધીમાં પોલીસે 40થી વધુ બેંક ખાતાઓની ઓળખ કરી છે જેમાં 15 ખાતાધારકો વિરુદ્ધ 50થી વધુ સાઇબર ક્રાઈમના ગુના નોંધાયેલ છે. સૌથી મોટો ચોંકાવનારો બનાવ એ છે કે આ ખાતાઓમાં થયેલા લાખો રૂપિયાનાં ટ્રાન્ઝેક્શનો અન્ય રાજ્યોમાંથી થયા છે અને તેની પાછળ હિરલબા તથા તેમના સાગરીતોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
વોટ્સએપ ચેટમાંથી ટ્રાન્ઝેક્શનના ફોટા, ચેકની કોપીઓ મળી
ડીવાયએસપી સુરજીત મહેડુએ જણાવ્યું હતું કે તપાસ દરમ્યાન અનેક મહત્વપૂર્ણ ડિજીટલ પુરાવાઓ હાથ લાગ્યા છે. જેમાં વોટ્સએપ ચેટ, ઈમેઈલ, ફોન કોલ રેકોર્ડ, ઓડિયો મેસેજ, ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ્સ, ચેકના ફોટા, ખાતાધારકોના આધાર કાર્ડ તથા પેન કાર્ડની નકલો સહિતના દસ્તાવેજો સામેલ છે. ખાસ કરીને વોટ્સએપમાં મળેલા ડોક્યુમેન્ટ્સ ગુનાની પૃષ્ટિ કરે એવા હોવાનું કહેવાઈ રહ્યું છે.