પોરબંદરના દરિયામાં પાકિસ્તાનથી મોકલેલું 1300 કરોડનું ડ્રગ્સ પકડાયું… જુઓ વિડીયો
પોરબંદર અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો રૂ.1300 કરોડની કિમતનો 3300 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. પાકિસ્તાનથી ડ્રગ્સ માફિયાઓ એ મોકલેલ જથ્થામાં 3110 કિલો હશીશ ચરસ તેમજ 158.3 કિલો ક્રિસ્ટલીય પાઉડર અને 24.6 કિલો હેરોઇન હોવાનું સામે આવ્યું છે. દિલ્હી નાર્કોટિક્સ બ્યૂરોને મળેલી બાતમીને આધારે પોરબંદર અરબી સમુદ્રમાં દિલ્હી નાર્કોટિક્સ બ્યૂરો,ગુજરાત ATS તથા નેવીને સાથે રાખી ઓપરેશન “સાગર મંથન” પાર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં કુલ પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સમાં પાકિસ્તાનના હાજી સલીમનો હાથ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.હજી સલીમે મોકલેલા આ ડ્રગ્સની સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોણ ડિલેવરી લેવાનું હતું અને આટલો મોટો જથ્થો કયા સપ્લાય કરવાનો હતો તે બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
સમગ્ર ઓપરેશન બાદ દિલ્હી ખાતે નાર્કોટિક્સ બ્યૂરોની એક પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં આ જથ્થો અત્યાર સુધીનો સૌથી મોટો હોવાનું સામે આવ્યું છે. નાર્કોટિક બ્યૂરોના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંઘના નેતૃત્વમાં આ ઓપરેશન્સ પાર પાડવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં જ્ઞાનેશ્વર સિંઘે જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રગ-મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા તરફ આગળ વધી રહેલી ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ દેશમાં સૌથી વધુ નાર્કોટિક્સ જપ્ત કરીને અદભૂત સફળતા હાંસલ કરી છે. NCB, નેવી અને ATS ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરના હિંદ મહાસાગરમાં આશરે 3300 કિલો ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નાર્કોટિક્સ વિભાગને માહિતી મળી હતી કે, તમિલનાડુથી ભારતીય પ્રાદેશિક જળસીમાની અંદર એક માછીમારી બોટ દ્વારા ડ્રગ્સની ડિલેવરી કરવામાં આવનાર છે.જેથી ઓપરેશન “સાગર મંથન” શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન માટે NCB, ભારતીય નેવી અને ગુજરાત ATSની સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી અને પોરબંદર નજીકની આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમાથી દક્ષિણ ભારત તરફ જતી બોટને પકડી પાડવામાં આવી હતી. આ બોટ માંથી રૂ.1300 કરોડની કિમતનું 3300 કિલો ડ્રગ્સ સાથે પાંચ પાકિસ્તાની શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી જેમની પાસેથી એક થુરાયા સેટેલાઈટ અને 04 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ ડ્રગ્સમાં પાકિસ્તાનના હાજી સલીમનો હાથ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઈરાનના ચાબહાર પોર્ટથી આ ડ્રગ્સનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. ડ્રગ્સના પેકેજિંગ સામગ્રી ઉપર રાસ અવાદ ફુડ કંપની, મેડ ઇન પાકિસ્તાન નું લખાણ લખ્યું છે. આ બોટ બે દિવસ સુધી વિદેશી જળસીમામાં હતી અને ભારતીય જળસીમામાં પ્રવેશી ત્યારે તેને પકડી લેવાંમાં આવી હતી. વિદેશી માછીમારીની બોટ, જેનું રજીસ્ટ્રેશન નથી અને તેમાં AIS ઇન્સ્ટોલ નથી આ ડ્રગ્સ કોને ડિલેવર કરવાનું હતું તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં 3110 કિલો હશીશ ચરસ તેમજ 158.3 કિલો ક્રિસ્ટલીય પાઉડર અને 24.6 કિલો હેરોઇનનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્રનો દરિયાકિનારો ડ્રગ સ્મગલરો માટે સોફ્ટ લેન્ડિંગ પોઈન્ટ બન્યો
કચ્છના દરિયા કિનારા પર વિવિધ એજન્સીઓ સતર્ક થતા ગુજરાતના માર્ગેથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે વેરાવળ, પોરબંદર સહિતના જિલ્લાઓ સાથે સંકળાયેલા દરિયાઇ માર્ગનો ઉપયોગ વધ્યો છે. ગુજરાતના દરિયા કિનારે અને છેલ્લા એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ અને હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. અગાઉ દક્ષિણ ગુજરાત બાદ કચ્છ, જામનગર, દ્વારકા જિલ્લો અને મુન્દ્રા બંદરેથી ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો હતો. ત્યારે વેરાવળ અને પોરબંદરનો ઉપયોગ પ્રથમ વખત ડ્રગ્સની દાણચોરી માટે થતો હોવાનું જણાય છે.
ડ્રગ્સને નેટવર્કને શોધવા દેશભરમાં ગુપ્ત ઓપરેશન
ડ્રગ્સ માફિયાની આંતરરાષ્ટ્રીય સીન્ડીકેટનાં સાથે ભારતમાં સ્થાનિક સ્લીપર સેલનાં ડ્રગ્સ પેન્ડ્લરોને તેની ડીલવરી લેવા માટે પોતાના ગામ-રાજયમાં સક્રીય હોય ત્યાં સુધીની પહોંચવા દિલ્હી નાર્કોટિક્સ બ્યૂરોએ અલગ અલગ ટીમ બનાવી દેશભરમાં ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું છે. પ્રાથમિક માહિતી મળ્યા બાદ ડ્રગ્સ પેન્ડ્લરોને પકડી લેવા ભારે ગુપ્તતા જાળવી ઓપરેશન સફળ રીતે પાર પાડવામાં આવશે અને આગામી દિવસોમાં આ ડ્રગ્સ મામલે મોટા ખુલાસા થશે.