‘નશીલું રાજકોટ’ : 9 સ્થળેથી ગાંજો, નશાકારક ગોળી, નામ-ઠામ વગરની સિગરેટ પકડાઈ, એક સ્થળેથી 19 ગ્રામ અફિણ કર્યું જપ્ત
રાજકોટની `જાંબાઝ’ પોલીસ ચપટી વગાડતાંની સાથે જ દેશી-વિદેશી દારૂ ભરેલું સ્કૂટર હોય કે ટ્રક તેને પકડી પાડવા માટે `માહેર’ છે. અત્યાર સુધી SOG સિવાય અન્ય પોલીસ મથક કે બ્રાન્ચ દ્વારા જવલ્લે જ દારૂને પડતો મુકી ચરસ, ગાંજો, અફીણ, ઈ-સિગરેટ સહિતના નશીલા પદાર્થોને પકડવાનું કામ કર્યું હશે જેના કારણે રાજકોટ ‘નશીલું’ બની ગયું છે તેમ કહેવામાં અતિશ્યોક્તિ ન હોવી જોઈએ. જો કે `ઉપર’થી આદેશ છૂટે એટલે પાતાળમાંથી પણ નશાનો સામાન શોધી કાઢવા માટે જાણીતી રાજકોટ પોલીસને સરકારે `તૂટી પડો’નો આદેશ આપતાં જ ઠેકઠેકાણેથી જથ્થો શોધી કાઢ્યો હતો. SOGદ્વારા સાત સ્થળેથી ગાંજો, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નશાકારક ગોળી અને આજીડેમ પોલીસ મથક દ્વારા નામ-ઠામ વગરની સિગરેટ પકડી `કામગીરી’ બતાવાઈ હતી.

SOGની વાત કરવામાં આવે તો પીઆઈ એસ.એમ.જાડેજા સહિતની ટીમે કોઠારિયા મેઈન રોડપર ઘનશ્યામનગરમાં રહેતા રાહિલ અમીનભાઈ મીનપરા (ઉ.વ.22)ને 10 કિલો ગાંજા સાથે પકડ્યો હતો. આ ઉપરાંત ભગવતીપરા શેરી નં.1માં રહેતા જગદીશ દશરથ અનેવાડિયાને 15.14 ગ્રામ, માંડાડુંગરમાં ભીમરાવનગર શેરી નં.17માં રહેતા હિતેશ ઉર્ફે બંટી સવજીભાઈ બાબરિયાને 60.580 ગ્રામ ગાંજો, રૈયાધારમાં ઝાકીર હુસેન સ્કૂલની બાજુમાં રહેતા પ્રવિણ નાનજીભાઈ વાળાને 442 ગ્રામ ગાંજો, વાવડી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્લોટ નં.6/7માં રહેતા ધર્મેન્દ્ર યમુનાસિંગ યાદવને 167.94 ગ્રામ ગાંજો, કેસરી પુલ નીચે નરસંગપરામાં રહેતા જય સતીષભાઈ રામાવતને 636 ગ્રામ ગાંજો અને ગુંદાવાડી શેરી નં.14/18ના ખૂણેથી કાના નારણભાઈ માટિયાને 19.04 ગ્રામ અફિણ સાથે પકડી પાડ્યા હતા.
આ જ રીતે ક્રાઈમ બ્રાન્ચે આંબેડકરનગર શેરી નં.14/3ના ખૂણા પાસે આવેલા વિકાસ જનરલ સ્ટોરમાંથી 14.685 કિલો નશાયુક્ત ગોળીઓ સાથે દુકાનના વેપારી રામજીભગત માલીને પકડ્યો હતો.

જ્યારે આજીડેમ પોલીસ મથકે કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં રોલેક્સ રોડ પર ગણેશ કોમ્પલેક્સમાં આવેલી રવિરાંદલ એજન્સીમાંથી નામ-ઠામ વગરની સિગરેટના 17 બોક્સ તેમજ નિયમોનો ભંગ કરતાં 600 નંગ તમાકુના પાઉચ સાથે હરેશ મગનભાઈ રામાણીને દબોચી લીધો હતો.
આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટની સુવિધાઓ પેસેન્જરોને નથી પસંદ! કસ્ટમર સર્વેમાં 31માં રેન્ક પર, ગુજરાતનું આ એરપોર્ટ છે નંબર 1 પર
શાપર-વેરાવળના બે મેડિકલ સ્ટોરમાંથી નશાકારક સીરપ પકડાયું
રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ 50 ટીમ બનાવી મેડિકલ સ્ટોર સહિતના સ્થળે ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં શાપર વેરાવળમાં ક્રિષ્ના મેડિકલ સ્ટોર તેમજ બાલાજી મેડિકલ સ્ટોરમાંથી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ વેચવામાં આવતી નશાકારક સીરપની બોટલનો જથ્થો કબજે કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉપલેટા પોલીસ દ્વારા ત્રણ મેડિકલ સ્ટોરમાંથી ટેબ્લેટનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કુલ 272 મેડિકલ સ્ટોરનું ચેકિંગ કરાયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું સાથે સાથે મેડિકલ સ્ટોરના સંચાલકોને પણ સુચના આપવામાં આવી હતી કે તેઓ પ્રિસ્ક્રિપ્શન વગર જ નશાકારક સીરપ કે ટેબ્લેટ વેચશે તો તેના ઉપર NDPS એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે.