ડ્રગ્સ પેડલર્સ સાવધાનઃ હેરાફેરીનો એક-એક જ ગુનો આચરનાર ત્રણને પાસા : રાજકોટ SOGની ‘પીટ’ એક્ટ હેઠળ કાર્યવાહી
રાજકોટમાં દારૂની સાથે જ ડ્રગ્સનું દૂષણ પણ `ઘર’ કરી ગયું હોય તેવી રીતે છેલ્લા ઘણા સમયથી આ ધંધા સાથે સંકળાયેલા તત્ત્વો એક બાદ એક પકડાઈ રહ્યા છે ત્યારે હવે પોલીસ દ્વારા આવા લોકોને પકડવાથી જ સંતોષ માની લેવાને બદલે લાંબા સમય સુધી જેલમાં રહેવું પડે તેવી કાર્યવાહી કરાઈ રહી છે. આવા જ ત્રણ શખસો કે જેમના ઉપર ડ્રગ્સ સહિતના માદક પદાર્થની હેરાફેરી કરવાનો એક-એક ગુનો જ નોંધાયેલો છે તેમને ‘PIT એક્ટ’ હેઠળ અલગ-અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

SOG પીઆઈ એસ.એમ.જાડેજા સહિતની ટીમ દ્વારા માદક દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા વિવેક અતુલભાઈ નાગર (ઉ.વ.30, રહે.રાજરત્ન રેસિડેન્સી, ઘંટેશ્વર સામે), કેતન અશોકદાન ઉધાસ (ઉ.વ.39, રહે.રામાપીર ચોકડી પાસે લાભદીપ સોસાયટી) અને દક્ષરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.22, રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર) સામે PIT NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટેની દરખાસ્ત તૈયાર કરી હતી. આ પૈકી વિવેકને સુરત, કેતનને ભૂજ અને દક્ષરાજસિંહને વડોદરા જેલમાં ધકેલવા તજવીજ કરાઈ હતી.
