ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ, 500 કરોડનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRIનું મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં સફળ ઓપરેશન
૨૦૦ કરોડનું ડ્રગ અને ૩૦૦ કરોડનો કાચો માલ જપ્ત
ઔરંગાબાદની અલગ અલગ 3 કંપનીઓમાં બનતું હતું ડ્રગ્સ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ડિરેક્ટર ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા મહારાષ્ટ્રના ઓરંગાબાદમાંથી મસમોટો ડ્રગ્સનો કારોબાર ઝડપી પડ્યો છે. આ કાર્યવાહીમાં રો મટીરીયલ સહિતનો 500 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અત્યારસુધી મુખ્યસુત્રધાર સહીત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્રણ દિવસ પહેલા મહારાષ્ટ્રમાંથી રૂ. 300 કરોડનું ડ્રગ્સ ઝડપાઇ ચૂક્યું છે. ગુજરાત સાથે મુંબઈ નગરીને નશામુક્ત બનાવવાનું કામ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા મહારાષ્ટ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. તો ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈની કાર્યવાહી બાદ દેશની સુરક્ષા એજન્સીઓ પણ એક્ટિવ થઈ ગઈ છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દેશના કોઈ પણ ખૂણે કાર્યવાહી કરવા માટે સક્ષમ છે. ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓની કમર તોડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હવે મુંબઈના ડ્રગ્સ માફિયાની કમર તોડી રહી છે. આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ડિરેક્ટર ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં મોટી કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. જે અંગે હાલ પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ઔરંગાબાદની એક ફેક્ટરી તથા મકાનમાં ડ્રગ્સ તથા તે સંબંધિત રો મટીરીયલ હોવાનું બાતમી મળી હતી. જેના આધારે કાર્યવાહી કરતા ડ્રગ્સ અને તે સંબંધિત રો મટીરીયલ મળીને અંદાજિત રૂ. 500 કરોડનો મુદ્દામાલ મળી આવ્યો છે.
આ કાર્યવાહીમાં મુખ્યસુત્રધાર સહીત ત્રણની અટકાયત કરવામાં આવી છે. સૂત્રોએ ઉમેર્યું કે, મળી આવેલું ડ્રગ્સ MD અને કેટામાઇન હોઈ શકે છે. જો કે આ અંગે વધુ સ્પષ્ટતા તપાસ બાદ જ સામે આવશે.
સૂત્રોએ જણાવ્યું કે, તાજેતરમાં ત્રણ દિવસ પહેલા મુંબઈ પોલીસ દ્વારા રૂ. 300 કરોડ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદ આજે રૂ. 500 કરોડનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આમ ટૂંકા ગાળામાં રૂ. 800 કરોડ જેટલી રકમનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. જે ચિંતાજનક બાબત છે.
અન્ય રાજ્યમાં જઈને કાર્યવાહી કર્યાનો દેશમાં પ્રથમ કિસ્સો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દેશના કોઈ પણ ખૂણે કાર્યવાહી કરવા માટે સક્ષમ છે તે સાબીત કર્યું છે. અન્ય રાજ્યમાં જઈને કાર્યવાહી કરવામાં અમદાવાદ પોલીસ દેશની પ્રથમ પોલીસ બની છે. ડીઆરઆઈ અને ક્રાઇમ બ્રાન્ચે ઓરાંગાબાદ ની અલગ અલગ 3 કંપનીમાં મોટું ઓપરેશન પાર પાડયું હતું.મહારાષ્ટ્રના ઓરંગાબાદથી કોકેઈન, કેટામાઇન અને એમડીનો રો મટીરીયલ અને ડ્રગ્સ સાથે કુલ 500 કરોડનું ડ્રગ્સ સાથે 3 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરી હતી. પકડાયેલ મુખ્ય આરોપીના ઘર અને ફેકટરી માંથી ડ્રગ્સ ઝડપાયું જેમાં 200 કરોડનું તૈયાર ડ્રગ અને 300 કરોડનું રો મટીરીયલ ઝડપાયું છે