રાજકોટના 51મા ક્લેક્ટર તરીકે ડૉ. ઓમપ્રકાશએ ચાર્જ સંભાળ્યો : ગરીબો સુધી સરકારી યોજનાના લાભો પહોંચે એ પ્રાથમિકતા
આજે રાજકોટના 51મા જિલ્લા ક્લેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે વર્ષ 2016ની બેચના IAS ડૉ. ઓમપ્રકાશે વિધિવત પદભાર સંભાળ્યો છે. પદભાર સંભાળતાની સાથે કલેકટરને લોકમેળાને લગતા પ્રશ્નો પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ભાતીગળ લોકમેળાનુ રાજ્ય સરકારની SOPમાં કોઈ બાંધછોડ કર્યા વિના કઈ રીતે આયોજન કરી શકાય તેની બેઠક કરવાનો નિર્ધાર કર્યો હતો. જરૂર પડ્યે રાઈડ ધારકો સાથે પણ મિટિંગ કરવાની વાત કરી હતી. આ સાથે જ તેમણે રાજકોટ જિલ્લાના વિકાસની સકારાત્મક બાબતોને લોકો સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકાને બિરદાવી હતી.

ડૉ. ઓમપ્રકાશ મૂળ રાજસ્થાનના બાડમેરના વતની
ડૉ. ઓમપ્રકાશ મૂળ રાજસ્થાનના બાડમેરના વતની છે અને MBBS, DPHનો અભ્યાસ કરેલો છે. આ અગાઉ, તેઓ જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા. તેમનો અગાઉના કાર્યકાળ જોઈએ તો તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે દોઢ વર્ષ અને મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોણા ત્રણ વર્ષ ફરજ બજાવી છે. રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી તરીકે તેઓ 8-10-2018થી લઈને 17-12-19 સુધી ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં વિવિધ નાયબ કલેક્ટરના ચાર્જ પણ તેમણે વહન કર્યા છે. તેઓ ગીર સોમનાથ જિલ્લામાં પ્રોબેશનરી IAS તરીકે રહી ચૂક્યા છે.
આ પણ વાંચો : રાજકોટમાં દોઢ વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ ડૉક્ટર પકડાયો : ઈન્જેક્શન, ટેબ્લેટ, સીરપ સહિતની દવાનો જથ્થો જપ્ત

રાજકોટ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળ્યો
આજે સવારે પદભાર સંભાળતી વખતે તેમણે કહ્યું હતું કે, જિલ્લાના છેવાડાના વિસ્તારના વંચિતો, ગરીબો સુધી સરકારી યોજનાના લાભો સરળ રીતે પહોંચે એ પ્રાથમિકતા રહેશે. ગરીબ માણસોને એવી પ્રતીતિ થવી જોઈએ કે, સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર તેમના માટે કામ કરી રહ્યું છે. રાજકોટમાં અગાઉ કામ કરી ચૂક્યા હોવાથી આ અનુભવ જિલ્લાના વિકાસ અને વહીવટી કામગીરીમાં ખૂબ ઉપયોગી થશે એમ તેમણે ઉમેર્યું હતું.
સકારાત્મક બાબતોને લોકો સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકાને બિરદાવી
આ સાથે તેમણે કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં તમામ ક્ષેત્રોમાં ખૂબ ક્ષમતાઓ છે. આરોગ્ય અને શિક્ષણની સાથે જિલ્લાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિવિધ ક્ષેત્રોના વિકાસ પર ભાર મૂકવામાં આવશે. તેમણે રાજકોટ જિલ્લાના વિકાસની સકારાત્મક બાબતોને લોકો સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકાને બિરદાવી હતી.

આ અવસરે નિવાસી અધિક કલેક્ટર એ.કે. ગૌતમ, શહેર પ્રાંત-1 અધિકારી સુશ્રી ચાંદની પરમાર, પ્રોબેશનરી IAS વૃષાલી કાંબલે વગેરેએ નવા ક્લેક્ટરનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રાજકોટ પ્રાદેશિક કચેરીના સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસિયાએ પણ આ તકે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમપ્રકાશની ઔપચારિક મુલાકાત લઈને શુભકામનાઓ પાઠવી હતી.