તમારી પાસે ઘરનું ઘર નથી ?? તો નોંધણી કરાવી દેજો !! રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઘરવિહોણા લોકોને કલેકટરની અપીલ
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઘરવિહોણા લોકો માટે સર્વે શરૂ, તમામ પરિવારોને આશ્રયસ્થાન આપવા વહીવટીતંત્રનો નિર્ધાર
તાજેતરમાં જ રાજકોટ જિલ્લામાં વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના લાભાર્થી ઓને મુખ્યમંત્રીના હસ્તે ઘરના ઘર અંતે પ્લોટની ફાળવણી થઈ છે ત્યારે રાજકોટ જિલ્લામાં બાકી રહેતા ઘર વિહોણા લોકો માટે સર્વે શરૂ કરાયો છે. રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ઘર વિહોણા તમામ નાગરિકોને સર્વેક્ષણમાં પોતાનું નામ નોંધાવી દેવા અપીલ કરી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘર વિહોણા પરિવારોને આશ્રય મળે તે માટે પ્રયત્નશીલ છે ત્યારે રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર વિહોણા પરિવારો માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સમગ્ર જિલ્લામાં સર્વેક્ષણ શરૂ કર્યું હોવાનું જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું. સાથે જ જિલ્લા કલેકટર જોશીએ ઉમેર્યું હતું કે, કે, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો પાસે ઘરનું ઘર ન હોય તો તેઓ સર્વેક્ષણ દરમિયાન પોતાના નામની નોંધણી કરાવી લે અથવા તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક સાધે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, ડીઆરડીએ દ્વારા હાથ ધરવામાં આવેલ આ સર્વે દરમિયાન તમામ ઘર વિહોણા લોકોનો સર્વે કરવામાં આવશે જેમાં પછાત વર્ગના લોકો તેમજ દિવ્યાંગજનોને અગ્રીમતા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે લાભાર્થીઓને ઘરથાળ માટે પ્લોટની ફાળવણી બાદ આવાસ નિર્માણ માટે પણ સરકારની સહાય મળશે જેમાં હાલમાં જ સહાયમાં વધારો પણ થયો હોય વધુને વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.