જન્મદિવસે જલસા નહીં, લોકોની સેવા કરો : સી.આર.પાટીલે નેતાઓને આપી સલાહ, રાજકોટમાં જળસંચય કેમ વધારવું તેના પર ભાર આપવા સુચના
કેન્દ્ર સરકારના જળસંચય મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ રવિવારે રાજકોટમાં આયોજિત `નમોત્સવ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આવી પહોંચ્યા હતા. જો કે તે પહેલાં તેમણે સર્કિટ હાઉસ ખાતે દોઢ કલાક સુધી રોકાણ કરી ઢગલાબંધ બેઠકો કરી હતી. આ દરમિયાન તેમણે પોલીસ અધિકારીઓ, શહેર ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો ઉપરાંત ગીરગંગા પરિવારના સભ્યો તેમજ ઉદ્યોગપતિઓ સાથે એક બાદ એક બેઠક કરી હતી. બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ દિવસથી લઈ 2 ઑક્ટોબર સુધી દેશના અનેક દિગ્ગજના જન્મદિવસ આવી રહ્યા હોય ત્યારે તે દિવસે જલ્સા કરવાની જગ્યાએ લોકોની સેવા કરવા નેતાઓને આદેશ આપ્યો સાથે સાથે અન્ય નેતાઓને પણ પોતાના જન્મદિવસે સેવાકીય કાર્યો કરવા `સલાહ’ આપી હતી.

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાનનો જન્મદિવસ છે. આ ઉપરાંત 25 સપ્ટેમ્બરે પંડિત દિનદયાલજી ઉપાધ્યાયજીની જન્મજયંતી આવી રહી છે. આ પછી 2 ઑક્ટોબરે પૂજ્ય મહાત્મા ગાંધી તેમજ લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી છે ત્યારે 2 ઑક્ટોબર સુધીના 15 દિવસ અને ત્યારબાદ દિવાળી સુધી ભાજપ દ્વારા નાગરિકો માટે સેવાકીય કાર્યો કરવામાં આવશે. આ તમામ દિગ્ગજોએ ક્યારેય પોતાના જન્મદિવસે જલ્સા કર્યા નથી અને લોકોની સેવા ઉપર જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે ત્યારે તેમના જીવન ઉપરથી અન્ય નેતાઓએ પણ શીખ લેવી જોઈએ.

બીજી બાજુ સી.આર.પાટીલ સર્કિટ હાઉસ ખાતે પહોંચતાં જ અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ તેમને શુભેચ્છા આપવા માટે પહોંચ્યા હતા. પોલીસ અધિકારીઓ સાથે પાટીલે દસેક મિનિટ સુધી બેઠક કરી હતી.

આ પછી શહેર ભાજપના હોદ્દેદારો જેમાં મેયર નયનાબેન પેઢડિયા, પ્રમુખ ડૉ.માધવ દવે, પૂર્વ પ્રમુખ મુકેશ દોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર ઉપરાંત ધારાસભ્ય ઉદય કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડૉ.દર્શિતાબેન સાથે પણ મેરેથોન બેઠક કરી હતી. છેલ્લા ઘણા સમયથી શહેર ભાજપમાં દરરોજ કોઈને કોઈ સખળ-ડખળ સામે આવી રહી હોય આ બેઠકમાં ઉધડો લેવામાં આવશે તેવી વાત વહેતી થઈ હતી પરંતુ આ મુદ્દે કોઈ જ ચર્ચા કરવામાં આવી ન હોવાનું નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું.

આ બેઠક પૂર્ણ થયા બાદ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી પણ આવી પહોંચ્યા હતા અને તેમણે પાટીલની ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કે જે જળસંચય માટે ઉમદા કાર્ય કરી રહ્યા છે તેમની સાથે શહેરમાં જળસંચય કેવી રીતે વધારી શકાય તે મુદ્દે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ઉદ્યોગપતિઓ સાથે પણ પાટીલે બેઠકમાં ભાગ લીધો હતો.
જૂના જોગી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા છેવટ સુધી હાજર રહ્યા…
છેલ્લા ઘણા સમયથી ભાજપના જૂના જોગીઓ જેવા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની લગભગ દરેક કાર્યક્રમમાં હાજરી જોવા મળી રહી છે તેઓ પણ પાટીલ સાથે છેવટ સુધી બેઠકમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા પણ આવી પહોંચ્યા હતા અને તેઓ પણ પાટીલ જ્યાં સુધી સર્કિટ હાઉસથી રવાના ન થયા ત્યાં સુધી સાથે રહ્યા હતા.
