દાનનું ડબલુ ફર્યુ ને વકીલોને મળ્યા હેલમેટ! રાજકોટ પોલીસે દાતાઓ પાસેથી 1000 હેલમેટ એકઠા કરીને નિઃશુલ્ક વિતરણ કર્યું
રાજકોટ શહેરમાં આગામી 8 સપ્ટેમ્બરથી વાહન ચાલકો માટે હેલમેટ ફરજિયાત થનાર હોવાથી જાગૃતિરૂપે ટ્રાફિક પોલીસ દ્વારા અલગ- અલગ મુહીમ ચલાવાઈ રહી છે. હવે હેલમેટ વિતરણનો આરંભ કરાયો છે. શરૂઆત કાયદાના તજજ્ઞો મનાતા વકીલોથી કરાઈ છે. રાજકોટ કોર્ટ કમ્પાઉન્ડમાં જઈને 1000 જેટલી હેલમેટ વકીલોને વિતરીત કરાઈ હતી. પોલીસે અન્ય દાતાઓ પાસેથી એકત્રિત કરાયેલી હેલમેટો વકીલોને નિઃશુલ્ક (મફત) આપવામાં આવી હતી.

એકાદ માસથી વધુ સમયથી હેલમેટ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ચાલતા પ્રયાસો બાદ આજથી પોલીસે હેલમેટ વિતરણના કરેલા આરંભમાં આજે (સોમવાર) શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, એડી. સી.પી. મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, એસીપી વી.જી. પટેલ સહિતના અધિકારીઓ પોલીસ ટીમ 1000 હેલમેટ સાથે જામનગર રોડ સ્થિત કોર્ટ પર પહોંચી હતી.

અંદાજે 800 થી 1000 રૂપિયા કે કદાચ એથી વધુ પણ કિંમત હોઈ શકે તેવા ISI માર્કાવાળા 1000 જેટલા હેલમેટ પોલીસ દ્વારા દાતાઓ, કંપનીઓ પાસેથી કોર્પોરેટ સોશિયલ સ્પિોન્સીબિલિટી (CSR) હેઠળ મેળવાયા હતા. જે હેલમેટ વકીલો તથા કર્મચારીઓને પોલીસ દ્વારા મફતમાં આપવામાં આવ્યા છે. હવે અલગ-અલગ સ્થળો, વિભાગો, શાળા-કોલેજોમાં પોલીસ હેલમેટ આપશે.

મનાવી લેવા માટેનો પ્રયાસ ?
હેલમેટ ફરજિયાત બાબતે વકીલોમાં પણ ચાલતા મતમતાંતરમાં હેલમેટનો સોશિયલ મીડિયા કે આંતરિક રીતે વિરોધ થયો હતો. કદાચ પોલીસે કુનેહ વાપરીને કાયદા નિષ્ણાંતો ગણાતા વકીલો જ વિરોધ ન કરે કે સાથ આપે હેલમેટ પહેરે તેવા આશયથી મનાવી લેવાના પ્રયાસરૂપે નિઃશુલ્ક વિતરણ શરૂઆત વકીલોથી કરી હશે ? આવી પણ ચર્ચા ચાલતી હશે.
