દિવાળી એટલે સુવર્ણયોગ : પીળી ધાતુ ‘પહોંચ’ની બહાર છતાં’ય વેચાણ વધશે,વોલ્યુમ ઘટશે
ધનતેરસ અને દિવાળી એટલે સુવર્ણયોગ કહેવાય છે પણ હાલમાં સોનુ અને ચાંદી બંનેનાં ભાવ આસમાને છે ત્યારે વેચાણનું મૂલ્ય વધશે અને વોલ્યુમ ઘટશે તેવું અનુમાન ઝવેરી બજારનાં અનુભવી વેપારીઓ કરી રહયા છે.રોકાણકારો માટે સુવર્ણ તક છે.આગામી 14 ઓક્ટોબરએ મંગળપુષ્ય નક્ષત્રનો યોગ બની રહ્યો હોય રાજકોટની સોનીબજાર તહેવારોને લઈને તૈયારીઓ કરી રહી છે.જો કે દર વર્ષએ ઝવેરી એસો.દ્વારા તહેવારો પણ ખાસ ઘડામણ પર ડિસ્કાઉન્ટ ઓફર મુકાતી હતી જ્યારે હવે દરેક જવેલર્સએ પોતાની રીતે ભાવબાંધણું કરી દીધું છે.
સોમવારે માર્કેટ બે દિવસના વિરામ બાદ ખુલતાંની સાથે સોના અને ચાંદી બંને ધાતુ કિંમતી બની રહી છે અને સોનાનો ભાવ તમામ રેકોર્ડ તોડી 10 ગ્રામનાં 1,23,103 એ આવી ગયો છે જે હવે સવા લાખથી થોડું છેટું છે.જ્યારે ચાંદીનો એક કિલોનો ભાવ 1,49,439 એટલે દોઢ લાખથી હાથ વેંત છેટું છે.ચાંદીની ચમકએ પીળી ધાતુની ચમકને પાછળ રાખી દીધી છે.
ગુજરાત બુલિયન એસો.નાં જણાવ્યાં મુજબ સોના અને ચાંદીનાં ભાવ સર્વોચ્ચ સપાટીએ છે પણ દિવાળીનાં તહેવારોમાં ખરીદી થશે,લોકો શુકન સાચવવા કિંમતી ધાતુની ખરીદી તો કરશે પણ રૂપિયાની રીતે વેચાણ વધશે પણ વજનમાં ઘટાડો થશે તેવી શકયતા દર્શાવી છે.ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સોનાનો ભાવ રૂ.41,000 અને ચાંદી 49,000 ઉંચા ચાલી રહ્યા છે.વર્ષ 2024માં આ સમયે સોનાનો ભાવ 81,500 10 ગ્રામનાં અને ચાંદીનો 1,00,000 ભાવ હતો.
આ પણ વાંચો :દિવાળી પર ‘ડ્રાયફ્રૂટ્સ’ની ડિમાન્ડ બમણી: GST દર ઘટ્યો પણ ભાવ વધ્યાં,કિસમિસ અને એપ્રિકોટનાં ભાવમાં ઉછાળો
જવેલર્સ એસો.અમદાવાદનાં જીગર સોનીએ કહ્યું હતું કે,ભાવ વધુ છે એટલે લોકોની માનસિકતાને થોડી અસર તો થશે,જે બચત કરી છે એમાં તેઓની ધારણા કરતા વજનમાં ઓછું આવશે. આ વર્ષે પુષ્યનક્ષત્રની ખરીદી માટે એડવાન્સ બુકિંગ થયા નથી. જેના કારણે વેચાણ વધશે પણ વોલ્યુમમાં ઘટાડો થશે.
આ પણ વાંચો :‘રાજકોટના પેડક રોડને ‘ગૌરવપથ’ બનાવવાનું કામ ટેન્ડરમાં જ અટકી ગયું! કાગળ પર જ યોજના છતાં ખર્ચ 22 કરોડથી વધીને 31 કરોડ થઈ ગયો
45% લોકો જૂનું સોનુ આપી નવા દાગીનાની ખરીદી કરશે
ગત વરસની દિવાળી કરતાં આ દિવાળીએ સોનાના ભાવમાં 10 ગ્રામે 41 હજાર જેટલું સોનું મોંઘું પડશે, દિવાળી પછી તેમના ઘરે દીકરા કે દીકરીના પ્રસંગ આવી રહ્યા છે એમાં મોટાભાગના લોકો 45% ગ્રાહકો એવા છે કે જેવો જૂનું સોનુ આપીને નવા દાગીનાની ખરીદી કરી વહુને ચડાવશે કે દીકરીને આણામાં આપશે.અગાઉ સામાન્ય પરિવારમાં પણ 5 થી 10 તોલ દાગીના આપવામાં આવતા હતા પણ હવે ભાવ આસમાને આવી જતા આ દાગીનાં આપવામાં કાપ આવી જશે.
ફિઝિકલ અને ગોલ્ડ ઇટીએફમાં રોકાણ વધ્યું
વર્ષ 2025ની શરૂઆત સાથે સોનામાં આગ ઝરતી તેજીને પગલે ભાવ તમામ રેકોર્ડ વટાવી સવા લાખએ સોનુ પહોંચી ગયું છે.વૈશ્વિક પરિબળો અને ટેરીફ વચ્ચે કિંમતી ધાતુમાં ભારે રોકાણ થઈ રહ્યું છે.બુલિયનનાં જાણકારોનાં જણાવ્યા મુજબ સોનામાં જે રીતે ભાવ વધી ગયા છે તેના કારણે ફિઝિકલ સોનુ અને ગોલ્ડ ઇટીએફમાં રોકાણ વધી રહ્યું છે.
