રાજકોટમાં મહાશિવરાત્રીની દિવ્ય ઉજવણી : ભોળાનાથની ભક્તિમાં લીન ભાવિકો, મહાદેવને અભિષેક-મહાઆરતી
- મહાશિવરાત્રીની દિવ્ય ઉજવણી
- ધર્મ-ભક્તિનો મહાકુંભ, ભવ્ય શોભાયાત્રા નીકળી
- રામનાથ મહાદેવ મંદિરે લેઝર અને ફાયર શો યોજાયો
- ભાંગપ્રસાદ માટે ભાવિકોની કતાર
બમ…બમ…ભોલે…ના જયનાદ સાથે રાજકોટમાં શિવરાત્રીની ભક્તિમય માહોલમાં ઉજવણી થઈ હતી. સ્વયંભૂ ઐતિહાસિક રામનાથ દાદાના મંદિરે વહેલી સવારે ચાર વાગ્યાથી ભક્તોનો પ્રવાહ ઉમટ્યો હતો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે શિવરાત્રિએ ભાવિકોનો મહાકુંભ રચાયો હતો. રામનાથ મંદિર, પંચનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ મંદિર, મહાકાલેશ્વર મંદિર, આર્ષ વિદ્યા મંદિરમાં આવેલા સોમેશ્વર મહાદેવ મંદિર સહિત શિવાલયોમાં વહેલી સવારથી શિવપૂજા, રુદ્રાભિષેક, લઘુરુદ્ર હોમાત્મક યજ્ઞ, ચાર પ્રહરની પૂજા, ભક્તિ સંગીત, મહાઆરતી સહિતના અનેક દિવ્ય આયોજનો થયા હતા.
રામનાથ મહાદેવ મંદિરથી મહાશિવરાત્રીએ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે શહેરના અલગ અલગ રાજમાર્ગો પરથી પસાર થઈ હતી જેમાં ભગવાન શિવજીના જીવનની ઝાંખી કરાવતા ફ્લોટસ જોડાયા હતા. પંચનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ધાર્મિક અનુષ્ઠાન સાથે ચાર પ્રહરની મહાઆરતી કરવામાં આવી હતી.
શિવરાત્રીએ ભાંગપ્રસાદ નો વિતરણ કરાયું હતું જેમાં ભાંગ માટે ભાવિકોની લાઈન લાગી હતી. પંચનાથ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દેવાંગભાઈ માંકડ, મયુરભાઈ શાહ, હરેશભાઈ વોરા,નીરજ ભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રામનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે લેઝર શો અને ફાયર શો યોજાયો હતો.શહેરના ભીલવાસ ચોકમાં બરફમાંથી શિવલિંગ બનાવાયા હતા.જેનાં દર્શન માટે ભાવિકોની ભીડ રહી હતી.