ભારે કરી ! રોટલી પીરસવા બાબતે ધીંગાણું: અમરેલીમાં લગ્નમાં જાનૈયા-માંડવીયા વચ્ચે મારામારી,જાણો શું છે સમગ્ર મામલો
લગ્નપ્રસંગમાં વિઘ્નો તો આવ્યા કરે છે ત્યારે અમરેલીમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો જેમાં લગ્નમાં રોટલી પીરસવા બાબતે ધિંગાણું થયું હતું. અમરેલીના ધારી તાલુકાના ખીસરી ગામે યોજાયેલા એક લગ્નપ્રસંગમાં જમણવાર દરમિયાન રોટલી પીરસવા બાબતે જાનૈયા અને માંડવીયા પક્ષ વચ્ચે બોલાચાલી થઈ, જે જોતજોતામાં ઉગ્ર બની અને ધીંગાણામાં ફેરવાઈ ગઈ. આ ઘટનામાં મહિલાઓ સહિત કુલ 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
શું છે સમગ્ર મામલો?
પ્રાપ્ત માહિતી મુજબ, અમરેલીના ચક્કરગઢ ગામેથી જાન ધારી તાલુકાના ખીસરી ગામે આવી હતી. લગ્નગીતો અને શરણાઈના સૂર વચ્ચે ભોજન સમારંભ ચાલી રહ્યો હતો, તે દરમિયાન રોટલી પીરસવાની બાબતે બંને પક્ષોમાં વિવાદ ઊભો થયો હતો. મામલો વણસતા બંને પક્ષના લોકો લાકડીઓ અને પાઈપ લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા.
આ પણ વાંચો :ગુજરાત ATSની કાર્યવાહી: નવસારીમાંથી જૈશ અને અલ-કાયદાથી પ્રભાવિત યુવકને પકડી પાડ્યો, હથિયાર પણ કર્યા જપ્ત
બંને પક્ષના 15 લોકો ઈજાગ્રસ્ત
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આવેશમાં આવેલા અમુક શખ્સોએ લોકોના ટોળા પર બોલેરો કાર ચડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેના કારણે સ્થળ પર ભારે નાસભાગ મચી ગઈ હતી. ઘટનામાં બંને પક્ષના કુલ 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી બેની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અમરેલી રીફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ ધારી પોલીસ સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલ પોલીસ દ્વારા બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
