રાજકોટમાં કોમ્યુનિટી હોલ પ્રત્યે મોહભંગ! બુકિંગમાં નોંધપાત્ર ઘટાડો,પાર્ટી પ્લોટ તરફનો ઝુકાવ હોલના બુકિંગમાં ‘મંદી’નું કારણ
રાજકોટ સહિત ગુજરાતમાં અત્યારે લગ્નગાળો ચાલી રહ્યો છે અને દરરોજ કોઈને કોઈ પરિવારમાં લગ્ન યોજાઈ રહ્યા છે. જો કે પાછલા વર્ષોની તુલનાએ આ વર્ષે લગ્નગાળો ફિક્કો હોય તે રીતે કોમ્યુનિટી હોલના બુકિંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. એકંદરે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં લગ્ન માટે મહાપાલિકા હસ્તકના કોમ્યુનિટી હોલનું બુકિંગ માત્ર 36% જ થયું હોવાનું એસ્ટેટ વિભાગ પાસેથી જાણવા મળ્યું હતું.
મહાપાલિકા હસ્તકના કુલ 28 કોમ્યુનિટી હોલ કાર્યરત છે જેમાંથી બે હોલ જેમાં વિજય પ્લોટ પાસે અવંતિબાઈ લોધી કોમ્યુનિટી હોલ અને કોઠારિયા રોડ પર શ્રી વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલનું રિનોવેશન કામ ચાલી રહ્યું હોવાથી તેનું બુકિંગ થઈ શકતું નથી. આ જ રીતે જાગનાથ-24માં એકલવ્ય કોમ્યુનિટી હોલ અને રૈયા રોડ પર શ્રી ગુરુ ગોવિંદસિંહજી કોમ્યુનિટી હોલને ફાયર એનઓસી ઈશ્યુ ન થયું હોવાથી બુકિંગ લેવાઈ રહ્યું નથી. આ સિવાય 24 કોમ્યુનિટી હોલમાં જાન્યુઆરીના 15 દિવસ અને ફેબ્રુઆરીના 28 દિવસ મળી કુલ 43 દિવસ માટે 373 બુકિંગ થવા પામ્યા છે. આ પ્રમાણે જોવા જઈએ તો 24 કોમ્યુનિટી હોલમાં કુલ 1032 લગ્નોનું બુકિંગ થઈ શકે તેટલી ક્ષમતા છે જેની સામે 1 ડિસેમ્બર સુધીમાં 373નું જ બુકિંગ થવા પામ્યું છે.
આ પણ વાંચો :‘રાજકોટમાં પ્રદૂષણના સ્તરમાં વધારો! હવા ખરાબ થતાં જ શરદી-ઉધરસ-તાવનો રોગ વકર્યો : 2179 કેસ
ઉદાહરણ તરીકે શહેરના ગુરુપ્રસાદ ચોકમાં આવેલા વસંતરાય ગઢકર કોમ્યુનિટી હોલ યુનિટ-1માં જાન્યુઆરી મહિનામાં બે અને ફેબ્રુઆરી મહિનામાં સાત મળી બે મહિનામાં કુલ નવ લગ્નનું જ બુકિંગ થયું છે. આ પ્રમાણે 43 દિવસમાંથી માત્ર નવ દિવસ જ બુકિંગ મળવા પામ્યું છે જ્યારે બાકીના 34 દિવસ આ હોલ ખાલી જ રહેવા પામ્યો છે.
16 ડિસેમ્બરથી કમુહૂર્તા બેસી જશે જે 14 જાન્યુઆરી સુધી યથાવત રહેશે. આ પછી 15 જાન્યુઆરીથી ફરી લગ્ન લેવાનું શરૂ થશે. આ પ્રમાણે જાન્યુઆરીના 15 દિવસ અને ફેબ્રુઆરીના 29 દિવસ ફરી લગ્નસરાની સીઝન ખીલશે. એસ્ટેટ શાખા પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે જાન્યુઆરીમાં કુલ 146 અને ફેબ્રુઆરીમાં 202 લગ્નનું બુકિંગ 24 કોમ્યુનિટી હોલ માટે કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા કોમ્યુનિટી હોલનું ભાડું 2000થી 35000 સુધીનું રાખવામાં આવ્યું છે અને હોલની ક્ષમતા 150 માણસથી લઈ એક હજાર માણસ સુધીની છે.
આ પણ વાંચો :‘મુરઘા ગેંગ’ના વાહન જપ્ત કરવાનું શરૂ : સૂત્રધારનો બંગલો જોઈ રાજકોટ પોલીસ ચોંકી! ગેંગના સામેલ દરેક ઘરનું ચેકિંગ કરી દસ્તાવેજ મંગાયા
પાર્ટી પ્લોટ તરફનો ઝુકાવ કોમ્યુનિટી હોલના બુકિંગમાં `મંદી’નું કારણ
હવે મહત્તમ લગ્ન શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટમાં કરવાનો ટ્રેન્ડ શરૂ થયો હોવાથી લોકો કોમ્યુનિટી હોલનું બુકિંગ કરવાનું ટાળી રહ્યા છે. જો કે અનેક પરિવાર એવા પણ હોય છે જેઓ પાર્ટીપ્લોટ પાછળ લાખેણો ખર્ચ કરવાની જગ્યાએ કોમ્યુનિટી હોલમાં જ પ્રસંગ ઉજવતાં હોય છે. પાર્ટીપ્લોટ ઉપરાંત હોટેલમાં પણ લગ્નનું આયોજન થઈ રહ્યું હોય હોલ બુકિંગનું પ્રમાણ ઘટી ગયાનું જાણકારોએ જણાવ્યું હતું.
