શું સિનિયર પાયલોટની ભૂલના કારણે પ્લેન થયું ક્રેશ? અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં નવો ધડાકો
અમદાવાદ વિમાન દુર્ઘટના જેને એક મહિનો વીતી ચૂક્યો છે. એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં 260 લોકોના મોત નિપજ્યાં હતા. આ દુર્ઘટના મામલે તપાસ ચાલુ છે. ત્યારે વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાઇલટે ફ્યુઅલ સ્વીચ બંધ કરી દેવાને કારણે આ દુર્ઘટના સર્જાઇ. પ્રારંભિક તપાસમાં સામેલ અમેરિકી અધિકારીઓએ કોકપીટ વોઇસ રેકોર્ડિંગના આધારે સંકેત આપ્યો છે કે વિમાનના કેપ્ટને ક્રેશ થયાની થોડી સેકન્ડ પહેલા જાણી જોઈને એન્જિનનું ફ્યુઅલ સપ્લાઈ બંધ કરી દીધો હતો.

રિપોર્ટ અનુસાર, અકસ્માત સમયે 787 ડ્રીમલાઇનર એરક્રાફ્ટના ફર્સ્ટ ઓફિસર વિમાન ઉડાડી રહ્યા હતા WSJએ અહેવાલ આપ્યો છે કે બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતના કોકપિટ રેકોર્ડિંગમાંથી આ વાત બહાર આવી છે. વોઇસ રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછ્યું, ‘તમે ફ્યૂઅલ સ્વિચને ‘કટઓફ’ કેમ કરી?’પ્રશ્ન પૂછતી વખતે કો-પાઇલટ આશ્ચર્યચકિત થયો. તે ગભરાઈ ગયો હતો, જ્યારે સિનિયર કેપ્ટન સુમિત શાંત દેખાતા હતા.

DGCA, એર ઇન્ડિયા અને બોઇંગે કોઈ જવાબ આપ્યો ન હતો
આ રિપોર્ટ પર ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA), એર ઇન્ડિયા કે બોઇંગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. રિપોર્ટમાં સામેલ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પાઇલટ – કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર – ને અનુક્રમે 15,638 અને 3,403 કલાક ઉડાનનો અનુભવ હતો.

AAIB ના પ્રાથમિક અહેવાલ પરથી પણ પ્રશ્નો ઉભા થયા હતા
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયા (AAIB) દ્વારા ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલા પ્રાથમિક અહેવાલમાં એ પણ સૂચવવામાં આવ્યું હતું કે ટેક-ઓફ પછી તરત જ, બંને એન્જિનના ફ્યુઅલ કટઓફ સ્વીચો એક સેકન્ડના તફાવત સાથે બંધ થઈ ગયા હતા, જેના કારણે વિમાનનો ફ્યુઅલ સપ્લાય સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. આ પછી, એન્જિનનો પાવર ઝડપથી ઘટવા લાગ્યો. કોકપીટ વોઇસ રેકોર્ડિંગ મુજબ, એક પાઇલટે બીજાને પૂછ્યું કે તેણે ફ્યુઅલ કેમ કાપ્યું, જેનો જવાબ હતો – “મેં નથી કર્યું.”
આ પણ વાંચો : પાકિસ્તાનનું ટેન્શન વધશે : અમેરિકાથી આવતા અઠવાડિયે આવશે 3 અપાચે હેલિકોપ્ટર, ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો
જોકે, રેકોર્ડિંગમાં સ્પષ્ટ થઈ શક્યું નથી કે સ્વીચ અજાણતામાં દબાવવામાં આવ્યો હતો કે ઇરાદાપૂર્વક. પરંતુ સમગ્ર અકસ્માતના તળિયે પહોંચવા માટે આ ઘટના ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.