સુરતમા 32 કરોડની કિંમતના હીરાની ચોરી : તિજોરી તોડી તસ્કરો ફરાર : ક્રાઈમ બ્રાંચે કેટલાક શંકાસ્પદને લીધા સકંજામાં
સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલા ડી.કે. એન્ડ સન્સ તથા ડાયમંડ કિંગ કંપની નામના હીરાના કારખાનામાં ખાબકેલા તસ્કરો તીજોરી તોડીને અંદરથી અંદાજે 32.53 કરોડ જેવા હીરાનો જથ્થો લઇ જતા સુરત પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. ક્રાઈમ બ્રાંચે કેટલાક ઈસમને સકંજામાં લઈને ગુનાનો ભેદ ઉકેલાઈ જવાનો આશાવાદ વ્યકત કર્યો છે.
જન્માષ્ટમી પર્વ નિમિત્તે ડી.કે. એન્ડ સન્સ નામની ડાયમંડ કંપની બંધ હતી એ દરમિયાન રજાનો લાભ ઉઠાવી કારખાનામાં બાકોરૂ પાડીને ઘૂસેલા તસ્કરોએ ઓફિસમાં રહેલી તિજોરીને નિશાન બનાવી હતી. કટરથી તિજોરીને તોડી હતી. અંદર રહેલા હીરા સાફ કરી નાખ્યા હતા. તસ્કરો ડીવીઆર પણ સાથે લઇ ગયા હતા.
આ પણ વાંચો : સોના પછી હવે ચાંદીમાં પણ હોલમાર્કિંગ ફરજિયાત : પહેલી સપ્ટેમ્બરથી શરુ થશે અમલ, જાણો ગ્રાહકોને શું થશે ફાયદો
કરોડોના હીરાની ચોરી થયાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી ગયા હતા. જાણવા મળ્યા મુજબ તસ્કરો કોઈ જાણભેદુ જ હોવાની પોલીસને વિગતો સાપડી હતી. અન્ય સીસીટીવી અને માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચે કેટલાક વ્યક્તિને ઉઠાવી લીધા હોવાનું અને કરોડોની ચોરીનો ભેદ ઉકેલાઈ જવાની આશા પોલીસે વ્યકત કરી છે.
