આરોપી સગીરાના પરિવારને ઘેનની ટુકડીઓ ખવડાવી ભોગ બનનાર સાથે હેવાનયત ગુજારતો ‘તો
ધોરાજી પંથકને ૧૪ વર્ષીય સગીરા સાથે પરિચય કેળવી તેણીના પરિવારને ઘેની પદાર્થ ખવડાવ્યા બાદ ભોગ બનનાર સાથે દુષ્કર્મ ગુજારવાની ચકચારી ઘટનામાં આરોપી જી.આર.ડી જવાનને અદાલતે ૨૦ વર્ષની સજા ફટકારી છે.
આ કેસની હકિકત મુજબ,ભોગ બનનાર ની માતાએ ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,ગત તારીખ 19 3 2021 ના રોજ આરોપી ભરત શેખવા તેઓને વાડીએ આવીને ૧૪ વર્ષની પુત્રી પાસે બદકામની માંગણી કરી હતી.જે અંગે ફરિયાદ થતાં ભોગ બનનાર ના પિતા,ભોગ બનનાર અને ફઈબા અને આરોપી જૂથના પરિવારજનો સાથે મારામારી થયેલી હતી. ત્યારે ભોગ બનનારે પોતાની માતાને આરોપીએ અગાઉ દુષ્કર્મ આચરતો હોવાની હકીકત જણાવી હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આરોપી ધરપકડ બાદ મળેલા પુરાવાના આધારે અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
કેસ ચાલવા પર આવતા ભોગ બનનારે કોર્ટમાં જુબાની આપતા જણાવાયું હતું કે, આરોપી તેને ઘેનની ગોળી આપતો અને ઘરના બધા લોકોના જમવામાં તે ગોળી ભેળવવાનું કહેતો હતો. ત્યારબાદ તે આવી બળજબરીથી ધ દુષ્કર્મ આચરતો હતો. સરકાર પક્ષે પુરાવાઓ રજૂ કર્યા બાદ દલીલ કરી કે આરોપી જી.આર.ડી જવાન તરીકે નોકરી કરતો હોય અને પોતાના વગનો ઉપયોગ કરી આવો ગુનો આચાર્યો છે. ત્યારે ધોરાજી સેશન્સ કોર્ટ બંને પક્ષકારોની દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લઈ આરોપી ભરત મગન શેખવાને ૨૦ વર્ષની સજા ફટકારી હતી.આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ કાર્તિકેય પારેખ રોકાયેલા હતા.