આવતીકાલે ધનતેરસ: દિવાળી પર્વનો મંગલમય પ્રારંભ, રાજકોટમાં એક અઠવાડિયા સુધી ફેસ્ટિવલ ફીવર
આજથી રાજકોટમાં દિવાળી પર્વનો ઉલ્લાસ છવાય ગયો છે.આજે એકાદશી અને વાઘબારસ એક જ દિવસે છે તો આવતીકાલે ધનતેરસનું પર્વ છે.આજથી લાભપાંચમ સુધી રાજકોટવાસીઓમાં ફેસ્ટિવલ ફીવર છવાય ગયો છે.
આ વખતે સરકારી કચેરીઓ અને ઉદ્યોગોમાં લાંબી રજા આવતી હોય તો ઘણાં લોકો પરિવારજન સાથે આ વિકએન્ડથી ફરવા નીકળી ગયા છે તો માર્કેટમાં દિવાળીનાં તહેવાર માટે લાઈટિંગથી લઈ ઘરસજાવટ માટેની વસ્તુઓ,કપડાં,પગરખાં અને મીઠાઈ તેમજ મુખવાસ સહિતની વસ્તુઓની ખરીદી માટે ભારે ભીડ નીકળી છે.
આજથી ઘરે ઘરે રંગોળીની સજાવટ અને માટીનાં દિવામાં પ્રકાશ ઝળહળશે.શુક્રવારે રમા એકાદશી સાથે વાઘબારસથી દીપાવલીના મહાપર્વની શરૂઆત થશે.આસો વદ અગિયાર ને શુક્રવાર તા 17 ઓક્ટોબર ના દિવસે રમા એકાદશી છે.આ દિવસે અગિયારસ સવારના ૧૧.૧૧ કલાક સુધી છે ત્યાર બાદ બરસ તિથિ છે આથી પંચાંગ પ્રમાણે નિયમ પ્રમાણે આ દિવસે વાઘબારસ પણ છે, આથી આ દિવસે રમા એકાદશી અને વાઘ બારસ બંને તહેવાર સાથે ઉજવાશે. આ દિવસથી દિપાવલીના મહાપર્વની શરૂઆત થશે.
કાલે શનિવારે ધનતેરસ છે,આ પર્વ પર શ્રી લક્ષ્મીજીના પૂજન સાથે સોનુ અને ચાંદીની જવેલરી,વાહનો તેમજ જમીનની ખરીદી સાથે ભૂમિપૂજન સહિત શુભકાર્યો થશે.ધનતેરસએ મહાનગરપાલિકા દ્વારા આતશબાજી થશે.રવિવારે કાળીચૌદશ છે,20 મીએ દિવાળી પર્વ રાજકોટમાં ઉત્સાહ ઉલ્લાસ સાથે ઉજવાશે.
આ પણ વાંચો :રાજકોટ મનપામાં TPOની જગ્યા ફરી ખાલી પડી: ઈન્ચાર્જ TPOની સુમરાની બદલીઃ ‘રૂડા’ના બે અધિકારી બદલાયા
રમા એકાદશી અને વાઘબારસનું મહત્વ
રમા એકાદશીનું વ્રત કરવાથી એકાદશીના નામ મુજબ લક્ષ્મી અને ઘનની તથા સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. રમા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી ત્યારબાદ સૌપ્રથમ સૂર્યને અર્ધ્ય આપવું અને ત્યાર પછી આખા ઘરમાં ગંગા જળ છાંટવું અથવા તો ગૌમૂત્ર છાટવુ ઘરને પવિત્ર કરવુ ત્યારબાદ તુલસીની પૂજા કરવી અને એક બાજોઠ અથવા પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેની ઉપર ચોખા રાખી અને લક્ષ્મી-વિષ્ણુ ભગવાનની છબી રાખવી અને તેનું પૂજન કરવું. નૈવેદ્યમાં કેળા ખાસ ધરાવવા. ત્યારબાદ એકાદશીની કથા વાંચવી. બપોરના સમયે સૂવું નહિ, સાંજના ભગવાનનું કીર્તન કરવું, ઉપવાસ અથવા એકટાણું રહેવું. રાત્રીના ૧૨ વાગ્યા સુધીનું જાગરણ કરવું. રમા એકાદશીની પૂજા સવારના પૂરી થાય એટલે ત્યારબાદ વાઘ બારસ માટે ગાયની પૂજા કરવી. રમા એકાદશીના દિવસથી અયોધ્યાવાસીઓને શ્રીરામ ભગવાનના આવવાના સમાચાર મળેલા. આથી આ દિવસથી રંગોળી કરવાની શરૂઆત થયેલી. આમ રામ ભગવાનના સમયથી રમા એકાદશીના દિવસ થી બેસતા વર્ષ સુધી લોકો રંગોળી કરે છે.
આસો વદ અગિયારસ ને શુક્રવાર તારીખ ૧૭ ના દિવસે વાઘબારસ છે આ દિવસે ગાયની પૂજાનું મહત્વ વધારે છે. એક માન્યતા પ્રમાણે આ દિવસે જ્યારે દેવતા અને દાનવો એ જ્યારે સમુદ્ર મંથન કરેલું ત્યારે કામઘેનુ ગાય જે દિવસે નીકળેલ એ દિવસ વાઘ બારસનો દિવસ હતો આથી આ દિવસે ગાયની પૂજાનું મહત્વ વધારે છે. ગાય તથા વાછરડાને શણગાર કરવો, ઘાસ નાખવું, પ્રદક્ષિણા ફરવી. આ દિવસે જો પતિ પત્ની બન્ને સાથે ભેગા મળી અને વિષ્ણુ-લક્ષ્મીજીનું પૂજન કરે તો દામ્પત્ય જીવનમાં મીઠાશ આવે છે. જે લોકોને સંતાન થતા ન હોય તો આ દિવસે પતિ પત્ની બંનેએ ગાયને પૂજા કરવી તથા વિષ્ણુ ભગવાનની લક્ષ્મીજી સાથે પૂજા કરવી. આ વર્ષે રમા એકાદશી તથા વાઘ બારસ બંને તહેવાર સાથે હોતા બંને તહેવારની પૂજા ઉપવાસ એકટાણુ કર્યા નું ફળ એક સાથે મળશે. જૂની પરંપરા પ્રમાણે આ દિવસે વ્યાપારી લોકો પોતાનું જૂનું દેવું ગણાય છે.પૂરું કરે છે અને નવા વર્ષની શરૂઆત કરે છે આમ દેવું પૂરું કરવા માટે આ દિવસ શ્રેષ્ઠ છે.
