દેવયાનીબાની વિશ્વ દોડ માટે છલાંગ: રાજકોટની એથ્લેટ પ્રથમવાર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં દોડશે
રાજકોટની દીકરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રતિભાશાળી ખેલાડી દેવયાની બા વિશ્વસ્તરે સૌરાષ્ટ્રનું ગૌરવ વધારવાની તૈયારી કરી છે. તેણી પ્રથમવાર આંતરરાષ્ટ્રીય એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. યુનિવર્સિટી સંલગ્ન વિરબાઈમા મહિલા કોલેજની એથ્લેટિક્સ પ્લેયર દેવયાનીબા ઝાલા જર્મનીમાં રમાનારી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સિલેક્શન થયું છે જ્યાં તે 400 મીટર રનિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સંલગ્ન કોલેજ માતુશ્રી વિરબાઈમા મહિલા આર્ટસ કોલેજ માટે ગૌરવની ક્ષણ છે કે રાજકોટનાં આ એથ્લેટિક્સ પ્લેયર ઝાલા દેવયાનીબા વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 400 મીટર રનીંગ ઇવેન્ટમાં ભારતની યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભાગ લેવા માટે 18 જુલાઈએ રવાના થશે.

કોચ હરીશ રાબાએ જણાવ્યું હતું કે,પ્રથમવાર ગુજરાતમાંથી સૌ.યુનિ. ને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એન્ટ્રી કરી છે.દેવયાનીબાએ પોતાની અસાધારણ રમત ક્ષમતા અને સખત પરિશ્રમના બળે આ સ્થાન હાંસલ કર્યું છે. તેમનું વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે સિલેક્શન થવું એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે પણ ગર્વની વાત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સર્વ પ્રથમ ખેલાડી હશે જે વર્લ્ડ યુનિવર્સીટી માટે સિલેક્ટ થઈ હોય. તેમણે અગાઉ કોલેજ, યુનિવર્સિટી, રાજ્ય અને ઓપન નેશનલમાં એથ્લેટિક્સમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.
આ પણ વાંચો : રાજકોટમાં એઇમ્સનો તબીબ પીધેલી હાલતમાં કારમાં સ્ત્રી સાથે પકડાયો : જીગર દેસાણીની પોલીસે કરી અટકાયત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.ઉત્પલ જોશી, શારીરિક શિક્ષણ નિયામક ડો.હરીશ રાબા અને પી.ટી.આઈ. ડૉ. પુનમબેન જુડાસિયાએ દેવયાનીબાને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેવયાનીબાના જર્મની ખાતેના પ્રદર્શન માટે ઉત્સુક છીએ અને તેમને સફળતા માટે અમારી શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
દેવયાનીબાએ 52.25 સેકન્ડ સાથે રેકોર્ડ રચી ગોલ્ડ મેડલ મેળવ્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતર યુનિવર્સિટી એથ્લેટિક્સ સ્પર્ધામાં 52.25 સેકન્ડના રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ,ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટી ખાતે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ યોજાઇ હતી જેમાં તેનો ટાઈમિંગ 52.21 સેકન્ડ નો હતો અને તેને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ઉત્તરાખંડમાં નેશનલ ગેમ યોજાઇ હતી. જેમાં 53.20 સેકન્ડમાં દોડ પૂરી કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. પંજાબમાં સિનિયર નેશનલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 52.21 સેકન્ડમાં દોડ પૂરી કરી સિલ્વર મેડલ મેળવ્યો છે.