મહાકુંભથી અમદાવાદ આવતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત : બસ પલટી જતાં 22 મુસાફરો ઘાયલ, એક બાળકનો હાથ કપાયો
અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તો મહાકુંભમાં પહોંચીને સંગમમાં સ્નાન કરી રહ્યા છે. જેના કારણે ભારે ભીડને કારણે અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે. મહાકુંભમાંથી પરત ફરતી વખતે ગુજરાતના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. મહાકુંભથી અમદાવાદ આવતી બસ રાજસ્થાનમાં પલટી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં 22 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટનઆ રાજસ્થાનના રાજસમંદમાં બની હતી જ્યાં ગુજરાતના શ્રદ્ધાળુઓથી ખીચોખીચ બસ પલટી ગયાની માહિતી સામે આવી છે. આ બસ અકસ્માતમાં એક બાળકનો હાથ કપાઈ ગયાની માહિતી મળી રહી છે જ્યારે અન્ય 22 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બસમાં લગભગ 44 જેટલાં લોકો મુસાફરી કરી રહ્યા હતા જેઓ અમદાવાદના રહેવાશી હોવાની જાણકારી છે. આ અકસ્માત બુધવારે રાતે 12:15 વાગ્યે સર્જાયો હોવાની જાણકારી છે.

પોલીસ અધિકારીએ આપી માહિતી
આ મામલે ચારભુજા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર પ્રીતિ રત્નુએ કહ્યું કે દેસુરી કી નાલ વિસ્તારમાં આવેલી ઘાટીમાં આ અકસ્માત સર્જાયો હતો. જોકે આ બસ કેમ અને કેવી રીતે પલટી ગઈ તેનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. 21 લોકોને ઈજાઓ પહોંચી હતી જ્યારે 8 વર્ષના બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી.