દેવાયત ખવડના જામીન મંજૂર : 1 લાખના બોન્ડ ઉપર જામીન મંજૂર કરતી વેરાવળ સેશન્સ કોર્ટ, આ 2 જિલ્લાઓમાં પ્રવેશ પર મનાઈ
તાલાલાના ચિત્રોડ ગામે ગત 12 ઓગસ્ટે અમદાવાદના સાંથલ ગામના ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે કાર અથડાવી હત્યાના પ્રયાસ, લૂંટ સહિતના ગુનામાં પકડાયેલા લોકગાયક દેવાયત ખવડને કોર્ટમાંથી જામીન મળ્યા હતા. તેમજ તમામને સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે.
દેવાયત ખવડ સહિત 16 શખસોએ ડાયરાના જૂના મનદુઃખનો ખાર રાખી ધ્રુવરાજસિંહ ચિત્રોડ ગામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની કાર સાથે કાર અથડાવી હુમલો કર્યો હતો. આ પછી દેવાયત ખવડ સહિતના સામે ગુનો નોંધાયો હતો. સુરેન્દ્રનગર એલસીબી દ્વારા દેવાયત ખવડની સુરેન્દ્રનગરમાં આવેલા તેના ફાર્મ હાઉસમાંથી જ ધરપકડ કર્યા બાદ તાલાલા પોલીસે રિમાન્ડ માટેની અરજી દાખલ કરતા કોર્ટે માન્ય રાખી હતી. 11 સપ્ટેમ્બરે દેવાયત ખવડ સહિત સાત લોકો તાલાળા પોલીસ મથકમાં રજૂ થયા બાદ તેમને સાત દિવસના રિમાન્ડ ઉપર લેવાયા હતા.
રિમાન્ડ પૂર્ણ થઈ જતાં પોલીસે વધારાના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ તે નામંજૂર થતા દેવાયત ખવડ સહિતને જેલહવાલે કરાયા હતા. ત્યારબાદ વેરાવળ સેશન્સ કોર્ટ સમક્ષ જામીન અરજી કરતા કોર્ટે તે મંજૂર રાખ્યા હતા. દેવાયત ખવડને એક લાખના બોન્ડ ઉપર જામીન આપવામાં આવ્યા હતા.
