દેવદિવાળી 2025: બારસ તિથિનો ક્ષય હોવાથી બે દિવસ ઉજવાશે ‘તુલસી વિવાહ’, જાણો શેરડીનો માંડવો બનાવવાનુ મહત્વ
1 નવેમ્બર શનિવારે સવારે 9.11 કલાકથી એકાદશી તિથિનો પ્રારંભ થાય છે જે રવિવારે સવારના 7.30 સુધી જ એકાદશી તિથિ છે અને રવિવારે બારસ તિથિ ક્ષય તિથિ છે આથી નિયમ પ્રમાણે પંચાંગ પ્રમાણે તથા નિયમ પ્રમાણે શિવપંથીની દેવ દિવાળી શનિવારે છે જ્યારે વૈષ્ણવ પંથના લોકો એટલે કે હવેલીનો ધર્મ પાળતા જેમની ઘરે કૃષ્ણ ભગવાન પુષ્ટવેલા હોય તેની દેવ દિવાળી રવિવારે છે (પંચાંગમાં જણાવ્યા પ્રમાણે જો 56 ઘડીનો વેધ લાગતો હોય તો વૈષ્ણવપંથના લોકોએ બીજે દિવસે અગિયારસ કરવી) ખાસ કરીને મોટાભાગના લોકો 1 નવેમ્બર શનિવારે દેવ દિવાળી મનાવશે.
દેવદિવાળીને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે
દેવદિવાળીને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દેવ દિવાળી કારતક શુદ અગિયારસના દિવસે મનાવવામાં આવે છે જ્યારે દેશમાં ઘણી જગ્યા એ કારતક શુદ પૂનમના દિવસે દેવ દિવાળી મનાવવામાં આવે છે. દેવદિવાળીના દિવસથી ગંગા નદીનો પ્રવાહ તથા સમુદ્ર શાંત થાય છે એવી માન્યતા છે. આ દિવસે ઉપવાસ કરવાથી એક હજાર અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે તથા સો રાજસૂય યજ્ઞ કર્યાનું ફળ મળે છે તથા બધા જ પાપ નાશ પામે છે.
તુલસી વિવાહનું પૂજન
દેવદિવાળીના દિવસે શાલિગ્રામ ઉપર વિષ્ણુ સહસ્ત્ર નામ બોલતા બોલતા તુલસીપત્ર ચડાવવા ઉત્તમ છે. જેમના ઘરે કુંવારી કન્યા મૃત્યુ પામી હોય તો તેની પાછળ પણ તુલસી વિવાહ લોકો કરાવતા હોય છે. દેવદિવાળીના દિવસે સાંજના સમયે તુલસીજી પાસે ચોખ્ખા ઘીનો દીવો કરી તુલસી તથા શાલિગ્રામનુ પૂજન કરી 108 અથવા તો 1000 વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બોલી અને 11 પ્રદક્ષિણા ફરવાથી જીવનની મુસીબતો દૂર થાય છે. દેવદિવાળીમાં વિષ્ણુભગવાનનું ખાસ પૂજન કરવામાં આવે છે.
શેરડીનો માંડવો બનાવવાનુ મહત્વ
દેવદિવાળીના દિવસે ખાસ કરીને તુલસી પૂજાનુ તથા શાલિગ્રામની પૂજાનું મહત્ત્વ વધારે છે. સવારના સમયે તુલસીજી સાથે શાલિગ્રામ રાખી તુલસીજીને ચૂંદડી ઓઢાડી પોતાના આંગણા અથવા અગાશી ઉપર રાખવા તેના ઉપર શેરડીના સાંઠાનો માંડવો કરવો, ભગવાનને કુદરતી લીલો મંડપ કરાતો હોવાથી શેરડીનો માંડવો જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે તે ઉપરાંત શેરડી ધરવામાં આવે છે. શેરડીમાં ગળપણ હોવાથી તુલસી વિવાહ કરવાથી દાંપત્યજીવનમાં પણ મીઠાશ આવે છે. અષાઢી સુદ અગિયારસના દિવસથી દેવતાઓ પોઢી જાય છે અને દેવદિવાળીના દિવસથી દેવતાઓ જાગે છે, આથી આ દિવસ બાદ લગ્ન જેવા શુભપ્રસંગોની શરૂઆત થશે.
