મનાઈ છતાં રાજકોટમાં 71 હજારથી વધુ રેશનકાર્ડ ધારકોને OTPથી માલ વિતરણ : ગોંડલમાં અધધધ 13 હજારથી વધુ વ્યવહાર OTPથી થયા
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ધારકોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અન્વયે અપાતા મફત અનાજની કાળાબજારી રોકવા માટે તમામ રેશનકાર્ડ ધારકોને બાયોમેટ્રિક એટલે કે, ફિંગરપ્રિન્ટ લઈને જ રેશનીંગનો જથ્થો આપવા સ્પષ્ટ આદેશ આપ્યો હોવા છતાં રાજકોટ જિલ્લામાં મોબાઈલ ઓટીપી આધારિત વિતરણ વ્યવસ્થા ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ગત નવેમ્બર માસમાં રાજકોટ જિલ્લામાં 71 હજારથી વધુ રેશનકાર્ડ ધારકોને ઓટીપી મારફતે જથ્થો વિતરણ કરાયો હતો જેમાં એકલા ગોંડલ તાલુકામાં જ 13 હજારથી વધુ વ્યવહાર થયાનું સામે આવ્યુંક છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેર જિલ્લામાં નોંધાયેલ 3લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અન્વયે વિનામૂલ્યે ઘઉં-ચોખા તેમજ રાહતભાવે ખાંડ, ચણા, તુવેરદાળ અને મીઠું સહિતની વસ્તુઓ વિતરણ કરવામાં આવે છે.જો કે, ગત માસમાં વાજબીભાવના દુકાનદારોની રાજ્યવ્યાપી હડતાળને કારણે નવેમ્બર માસનું વિતરણ પાંચ દિવસ વિલંબથી શરૂ થતા 2.90 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને જ રેશનીંગનો જથ્થો મળ્યો હોવાથી જિલ્લામાં 93.23 ટકા જ વિતરણ થયું હતું. બીજી તરફ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો સ્પષ્ટ આદેશ હોવા છતાં પણ જિલ્લામાં 2.90 લાખ પૈકી 71 હજારથી વધુ રેશનકાર્ડ ધારકોને ઓટીપી આધારિત વિતરણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :સદૈવ સર્વોત્તમઃ રવિવારે રાજકોટ જોશે ભારતીય વાયુસેનાનું ‘શૌર્ય’! ફાઈટર પ્લેનના એક-એકથી ચડિયાતા કરતબ જોવા મળશે
નોંધનીય છે કે પુરવઠા વિભાગ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થામાં જે મતદારો વૃદ્ધ હોય કે,ફિંગરપ્રિન્ટ આવી શકતા ન હોય તેવા જ રેશનકાર્ડ ધારકોને મોબાઈલ નંબર આધારિત ઓટીપીથી રેશનીંગનો જથ્થો આપવા જોગવાઈ છે. આમ છતાં જિલ્લામાં પરવાનેદારો દ્વારા મોટાપ્રમાણમાં ઓટીપી આધારિત વિતરણ કરવામાં આવી રહ્યું હોવાથી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આ મુદ્દે પરવાનેદારો પર નજર રાખવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં નવેમ્બર માસમાં સૌથી વધુ ઓટીપી આધારિત વિતરણ ગોંડલ તાલુકામાં થયું હોવાનું અને 13 હજારથી વધુ રેશનકાર્ડ ધારકોને ઓટીપીથી જથ્થો આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
