રાજકોટને ડેંગ્યુના ડંખ : હજુ નવેમ્બર સુધી ‘ત્રાસ’ રહેશે, એક સપ્તાહમાં વધુ પાંચ કેસ મળ્યા
નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે જે પૂર્ણ થયા બાદ દશેરા-દિવાળી સહિતના તહેવારો આવી જવાના છે બરાબર ત્યારે જ રાજકોટને ડેંગ્યુના ડંખ લાગી રહ્યા હોય તે પ્રકારે એક જ સપ્તાહમાં વધુ પાંચ મળતા આરોગ્ય તંત્રમાં દોડધામ થઈ જવા પામી હતી. બીજી બાજુ ડેંગ્યુના કેસ હજુ નવેમ્બર મહિના સુધી આ જ પ્રમાણે મળતા રહેવાના હોવાનું નિષ્ણાત તબીબો જણાવી રહ્યા છે ત્યારે મચ્છરોથી બચવા માટેના ઉપાય જ ડેંગ્યુથી બચાવી શકશે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા.22-9-2025થી તા.28-9-2025 સુધીના સાત દિવસ દરમિયાન ડેંગ્યુના પાંચ કેસ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે મેલેરિયા અને ચિકનગુનિયાના એક પણ કેસ નોંધાયા ન્હોતા. જ્યારે સાત દિવસમાં ટાઈફોઈડના વધુ બે (વર્ષના 83) અને કમળો તાવના ત્રણ (વર્ષના 115) કેસ પણ ચોપડે નોંધાવા પામ્યા હતા. આ ઉપરાંત શરદી-ઉધરસના 867, સામાન્ય તાવના 769 અને ઝાડા-ઊલટીના 109 દર્દી નોંધાયા હતા.
ડેંગ્યુના કેસ વધવા પાછળનું કારણ આપતા નિષ્ણાતોએ જણાવ્યું કે ચોમાસું પૂર્ણતાના આરે હોય એટલે મચ્છરોનો ઉપદ્રવ વધે છે જે શિયાળો ન બેસે મતલબ કે ડિસેમ્બર સુધી યથાવત રહેતો હોય તે દરમિયાન કેસમાં ઉછાળો જોવા મળી શકે છે.
