અમદાવાદમાં મીની બાંગ્લાદેશ બની ગયેલી ઝુંપડપટ્ટીનું ડીમોલીશન
ચંડોળા તળાવ વિસ્તારમાં મહાપાલિકા અને પોલીસની કાર્યવાહી સામે સ્ટે આપવાનો કોર્ટનો ઈનકાર
પહેલગાવની ૨૨/૪ના આતંકવાદી હુમલા પછી દેશભરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ સામે ઝુંબેશ ચાલી રહી છે. ગુજરાતમાં પણ મોટાપાયે સફાઈ થઇ રહી છે અને મોટા મોટા શહેરોમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા આ બંને દેશના નાગરિકોને પકડી પકડીને હાંકી કાઢવામાં આવે છે. આ કાર્યવાહીમાં સૌથી મોટી કાર્યવાહી મંગળવારે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી મીની બાંગ્લાદેશ બની ગયેલા આ વિસ્તારમાંથી હજારો ઝુંપડા હટાવવામાં આવ્યા હતા અને આ સામ્રાજ્ય ઉભું કરનાર કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી. ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટા આ ડીમોલીશન ઓપરેશન રાજ્ય સરકાર સીધી નજર રાખી રહી હતી.
એક તરફ સવારે સેકડો પોલીસ કર્મચારીઓને સાથે રાખીને મહાપાલિકાએ ડીમોલીશન શરુ કર્યું ત્યારે બીજી તરફ આ પગલાં સામે હાઇકોર્ટમાં દાદ માગવામાં આવી હતી અને આ કાર્યવાહી સામે મનાઈહુકમ માગવામાં આવ્યો હતો. જો કે, હાઇકોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો અને આ પછી ડીમોલીશનની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંગળવારે ચંડોળા તળાવ નજીકની ગેરકાયદેસર વસાહતોને તોડી પાડવામાં આવી હતી. જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) શરદ સિંઘલના જણાવ્યા મુજબ અહીં મોટાભાગના બાંગ્લાદેશીઓ રહેતા હતા. અહી ગેરકાયદે રહેતા લોકોની ધરપકડ બાદ અહીં ઓપરેશન ક્લીન ચંડોળા ચલાવવામાં આવ્યું હતું.આ બુલડોઝર સ્ટ્રાઇકમાં ત્રણ હજારથી વધુ કાચા મકાન અને ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદની ઐતિહાસિક ધરોહર ગણાતા ચંડોળા તળાવની સંપૂર્ણ ભૂગોળ બદલવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. માત્ર 14 વર્ષમાં તળાવનો સંપૂર્ણ નકશો બદલાઈ ગયો હતો. વર્ષ 2010માં ચંડોળા તળાવની આસપાસની હરિયાળી અને તળાવની જળ સંગ્રહ ક્ષમતા અદ્વિતીય હતી. પરંતુ વર્ષ 2025માં એટલે કે 14 વર્ષ પછી અહીંનું ચિત્ર બદલાઈ ગયું હતું.ચંડોળા તળાવ બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે સૌથી મોટું આશ્રયસ્થાન બની ગયું હતું. છેલ્લા 14 વર્ષમાં ચંડોળા તળાવનું કદ ઝડપથી ઘટ્યું છે અને તેની અંદર પાકાં મકાનો, મસ્જિદો અને નાની-નાની ફેક્ટરીઓ બનવા લાગી હતી.
લલ્લા બિહારીનાં 2 દાયકાના સામ્રાજ્યનો 22 મિનિટમાં અંત
એક બાંગ્લાદેશી દીઠ ૧૦ થી ૧૫ હજાર વસુલી આશરો આપતો હતો
અમદાવાદના ચંડોળા તળાવ પર ગેરકાયદે અડ્ડો જમાવીને બેઠેલો લલ્લા બિહારી પોલીસના સકંજામાં આવી ગયો છે. મોંઘીદાટ ગાડીઓ અને વાહનો મૂકી લલ્લા બિહારી ફરાર થયો હતો પણ પોલીસે તેને અને તેના પુત્રને પકડી પાડ્યા હતા. લલ્લા બિહારી મિનિ બાંગ્લાદેશનો માસ્ટરમાઇન્ડ ગણાતો હતો.
મહેમૂદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીએ 2 હજાર વારમાં ગેરકાયદેસર રિસોર્ટ બનાવ્યો હતો. તળાવમાં બનાવેલા રિસોર્ટમાં સ્વિમિંગ પૂલ અને પાર્ટીઓ માટેની જગ્યા પણ બનાવવામા આવી હતી. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગાર્ડન, અને ફુંવારા જોવા મળ્યા હતા. લાલા ઉર્ફે બિહારી મેહબૂબ પઠાણ, કાળું મોમીનના ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યા છે. મેહબૂબ પઠાણની સામે ફ્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ પણ નોંધાઈ છે. બાંગ્લાદેશીઓને ભાડા કરાર કરાવતો હતો અને બોગસ ભાડા કરાર કરીને દસ્તાવેજ કરાવતો હતો.
દબાણ માફિયા લાલા બિહારીના ફાર્મ હાઉસ પર AMCની ટીમ અને અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમ પહોંચી હતી. મહેમૂદ પઠાણ ઉર્ફે લાલા બિહારીનું ગેરકાયદે ફાર્મ હાઉસ જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. મહેમૂદ પઠાણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. એક વ્યકિત દીઠ મહેમૂદ પઠાણ 10થી 15 હજાર વસૂલતો હતો. ડિમોલિશનની શરૂઆત મહેમુદ પઠાણ ઉર્ફે લાલા બિહારીના ફાર્મથી કરવામાં આવી હતી.
તે બાંગ્લાદેશી મહિલાઓને દેહવિક્રયમાં ધકેલતો હતો. બાંગ્લાદેશી મહિલાઓને દેહ વેચવા માટે મજબૂર કરતો હતો. મહેમૂદ પઠાણ બાંગ્લાદેશી મહિલાઓની મજબૂરીનો ફાયદો ઉઠાવતો હતો.