રાજકોટની રામકથામાં 4.50 લાખ લોકોને રોજ પીરસાશે ભાવતાં ભોજનીયા : 150થી વધુ રસોયાની ટીમ સંભાળશે જવાબદારી
- ૧૫ ટન ઘઉંનો લોટ, ૩૦૦ ડબ્બા ઘી, ૨૦૦૦ ડબ્બા તેલ, ૫૦૦૦ કિલો ખાંડ, ૬ હજાર કિલો ચોખાથી બનાવાશે અવનવી વાનગી
- રોજ ૨૫૦૦ કિલો રોટલી, ૧૦૦૦ લીટર દાળ, ૬૦૦૦ કિલો શાક બનશે: ૧૫૦થી વધુ રસોયાની ટીમ સંભાળશે ભોજનની જવાબદારી
રાજકોટમાં પૂજ્ય મોરારિબાપુની રામકથા `માનસ-સદ્ભાવના’નો અત્યંત ભક્તિમય પ્રારંભ થઈ ચૂક્યો છે. આ કથામાં રાજકોટ સહિત સમગ્ર દેશમાંથી દરરોજ ૫૦,૦૦૦થી વધુ ભાવિકો કથાનું શ્રવણ કરવાના છે ત્યારે તમામ ભાવિકો માટે ભાવતાં ભોજનીયાની વ્યવસ્થા પણ સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા અદકેરી કરવામાં આવી છે. આ માટે અન્નપૂર્ણા ભંડાર તૈયાર કરવામાં આવ્યો છે. ભાવિકોને રોજ મિષ્ટાન, ફરસાણ, શાક-રોટલી, દાળ-ભાત સહિતની વાનગી પીરસવામાં આવશે.
ખાસ વાત એ છે કે સંપૂર્ણ રસોઈ સીંગતેલ અને શુદ્ધ ઘીમાં તૈયાર કરવામાં આવશે. ૯ દિવસની કથા દરમિયાન દરરોજ એક મિઠાઈ, ફરસાણ, બે શાક, દાળ-ભાત પીરસાશે. આ માટે ૧૫ ટન ઘઉંનો લોટ, ૩૦૦ ડબ્બા ઘી, ૨૦૦૦ ડબ્બા તેલ, ૫૦૦૦ કિલો ખાંડ, ૬ હજાર કિલો ચોખા સ્ટોર કરી લેવામાં આવ્યો છે. રોજ ૨૫૦૦ કિલો રોટલી, ૧૦૦૦ લીટર દાળ અને ૬૦૦૦ કિલો શાક તૈયાર કરીને ગરમાગરમ પીરસવામાં આવશે. ભોજનની સંપૂર્ણ જવાબદારી ઈડરવાળા જીતુભાઈને સોંપવામાં આવી છે જેમના ૧૫૦થી વધુ રસોયા દ્વારા વાનગી તૈયાર કરવામાં આવશે.
નવેય દિવસનું મેનું
- રવિવાર: મોહનથાળ, ગાંઠિયા, દુધીચણા દાળ, મિક્સ શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ
- સોમવાર: લીસા લાડું, ભજીયા, દેશી ચણા, મીક્સ શાક, રોટલી, દાળ-ભાત, છાશ, સંભારો
- મંગળવાર: બરફી ચુરમું, ડાકોરના ગોટા, ચોળાનું શાક, રોટલી, દાળ-ભાત, છાશ, સંભારો
- બુધવાર: ડ્રાયફ્રૂટ બુંદી, ગાંઠિયા, મિક્સ શાક, કાબૂલી ચણા, રોટલી, દાળ-ભાત, છાશ, સંભારો
- ગુરૂવાર: અડદીયા પાક, વાટીદાળના ખમણ, સુકા વટાણા, મીક્સ લીલોતરી, રોટલી, દાળ-ભાત, છાશ, સંભારો
- શુક્રવાર: મગદાળનો સીરો, મીક્સ ભજીયા, ઉંધીયું, રોટલી, દાળ-ભાત, છાશ, સંભારો
- શનિવાર: અમરત પાક, ફુલવડીના ભજીયા, મગ, મીક્સ શાક, રોટલી, દાળ-ભાત, છાશ, સંભારો
- રવિવાર: રવાનો શીરો, ગાંઠિયા, ભજીયા, મીક્સ કઠોળ, રોટલી, દાળ-ભાત, છાશ, સંભારો
નામ નહીં કામ બોલે છે: અનેક જવાબદારી સૂપેરે પાર પાડતાં કેતન પટેલ
રામકથાનું આયોજન યાદગાર રહે તેમજ કોઈ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે સદ્ભાવના વૃદ્ધાશ્રમની આખી ટીમ રાત-દિવસ એક કરીને તૈયારીમાં લાગી હતી જેના પરિણામે જ શનિવારથી `માનસ-સદ્ભાવના’ રામકથાનો આનંદમય પ્રારંભ થવા પામ્યો હતો. આ ટીમમાં સામેલ વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર અને આરોગ્ય સમિતિના ચેરમેન કેતન પટેલ દ્વારા અથાગ મહેનત કરીને એક બાદ એક જવાબદારી સૂપેરે પાર પાડવામાં આવતાં લોકો કેતન પટેલ માટે હવે `નામ નહીં કામ બોલે છે’ની ઉપમા ઉદ્ગારી રહ્યા હતા.