દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર રાજકોટના રાજેશ ખીમજીભાઈ સાકરિયાએ કરેલા હુમલાની તપાસ રાજકોટ સુધી લંબાઈ છે. દિલ્હી સ્પેશ્યલ સેલની ટીમે રાજકોટ દોડી આવીને રાજેશ સાથે ‘ઘરોબો’ રાખનારના અનેક લોકોની પૂછપરછ કર્યા બાદ રાજેશને ઓનલાઈન બે હજાર રૂપિયા મોકલનાર મિત્રની અટકાયત કરી દિલ્હી લઈ જવાયો છે જ્યાં તેની સઘન તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત રાજેશ સાકરિયાના પરિવારજનો, મિત્રો સહિતના પણ નિવેદન લેવામાં આવ્યા હતા.

સ્પેશ્યલ સેલના પીએસઆઈ ઉપરાંત ત્રણ એએસઆઈ રાજકોટ દોડી આવ્યા હતા અને અહીં રાજેશ સાકરિયા સાથે સંબંધ રાખનારા એક બાદ એકને જામનગર રોડ પર એસઓજીની ઓફિસે લાવી સઘન પૂછપરછ શરૂ કરાઈ હતી. કલાકો સુધી પૂછપરછ તેમજ રાજેશના મિત્રોના ફોન સહિતની ચકાસણી કરવામાં આવતાં તહેસીન શેખ નામનો યુવક કે જેણે રાજેશને બે હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા તે ઉપરાંત રાજેશે દિલ્હી પહોંચીને પોતાના વીડિયો તહેસીનને મોબાઈલ પર મોકલ્યા બાદ તહેસીને આ વીડિયો સોશિયલ મીડિયા ગ્રુપમાં વહેતા કર્યાનું સામે આવતાં તેની અટકાયત કરી દિલ્હી લઈ જવામાં આવ્યો હતો.

આ ઉપરાંત પોલીસે રાજેશ સાકરિયાના માતા ભાનુબેન ઉપરાંત રાજેશના મિત્રો જિજ્ઞેશ કિશોરભાઈ ગોહેલ, ચિરાગ દિનેશભાઈ રૂપાપરા, ધવલ વિજયભાઈ સોલંકી, મહેરુનબેન કુરેશી ઉપરાંત રાજેશના નજીકના પરિવારજનોના નિવેદન નોંધ્યા હતા. દિલ્હી પોલીસ લલૂડી વોંકળીમાં પણ પહોંચી હતી જ્યાં રાજેશ સાકરિયાને નિયમિત બેઠક રહેતી હતી. અહીં પણ પોલીસે રાજેશ કેવો છે, તેનું વર્તન કેવું હતું તે સહિતની વિગતો ત્યાં નિયમિત અવર-જવર કરતા તેમજ રહેતા લોકો પાસેથી મેળવી હતી.
આ પણ વાંચો :વેક્સિન બાદ દર્દીમાં થતી વિવિધ બિમારીઓ અંગે રાજકોટ એઇમ્સમાં થશે રિસર્ચ

મેં તો બિલાડીને કૂતરું બટકું ભરી ગયું હોવાથી મદદ લેવા માટે રાજેશને ફોન કર્યો’તો
દિલ્હી પોલીસ દ્વારા રાજકોટ આવીને રાજેશ સાકરિયાના પરિવારજનો તેમજ તેની હુમલાના બે-ત્રણ દિવસ દરમિયાન ફોન પર વાત કરનારા સંપર્ક શોધીને તેમના નિવેદન નોંધ્યા હતા. આવા જ એક મહિલા મહેરુનબેન કુરેશી હતા જેઓ મામલતદાર કચેરીમાં દાખલા કાઢી આપવા સહિતનું કામ કરે છે તેઓ પણ સામેલ હતા. મહેરુનબેન કુરેશીએ જણાવ્યું કે લલૂડી વોંકળી વિસ્તારમાં બિલાડીને કૂતરું બચકું ભરી ગયું હોય તેની સારવાર ક્યાં કરાવવી અને કોઈ ડૉક્ટર હોય તો તેને ફોન કરી આપવા માટે રાજેશનો સંપર્ક કર્યો હતો કેમ કે રાજેશ પાસે એનિમલ હેલ્પલાઈન સહિતના નંબર રહેતા હોય છે.
