દીકરીઓ સ્વરક્ષા માટે નાનું ત્રિશુળ પર્સમાં રાખે : સુરતમાં 19 વર્ષની શિક્ષિકાનાં આપઘાત બાદ સમગ્ર રાજ્યના પાટીદાર સમાજમાં રોષ
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે સુરતમાં શિક્ષિકાના આપઘાત કેસ બાદ રાજ્યની તમામ દીકરીઓને સ્વરક્ષા માટે છ ઈંચથી નાનું એક ત્રિશુળ પોતાના પર્સમાં રાખવા માટે સલાહ આપી છે.સુરતની 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા કુ.નેનુ રજનીભાઈ વાવડીયા ટ્યુશન કરાવવા જે ક્લાસમાં જતી હતી ત્યાં એક આરોપી તેને હેરાન કરતો હતો અને તેનાથી કંટાળીને ગળાફાંસો ખાઈ લીધો હતો. હવે આ મામલામાં પાટીદાર સમાજમાં રોષ છવાયો છે અને દીકરીઓ સ્વરક્ષા કરવા અને અસામાજિક તત્વોનો સામનો કરવા અનુરોધ કર્યો છે.

આ અંગેની વિગતો એવી છે કે, સુરતમાં કતારગામના નાની વેડ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પાટીદાર ટ્યૂશન શિક્ષિકા જે સ્થળે ટ્યુશન કરાવવા જતી હતી ત્યાં એક શખસ પોતાની ભત્રીજીને મુકવા આવતો હતો અને આ શિક્ષિકાને હેરાન કરતો હતો. આ શખસની હેરાનગતિથી કંટાળી નેનુ વાવડીયાએ ગળાફાંસો ખાઈ લીધો હતો. એવી પણ વિગત બહાર આવી હતી કે, આરોપી આ શિક્ષિકાને બ્લેકમેઈલ કરીને 30,000ની માંગણી પણ કરતો હતો. આ વારંવારનાં બ્લેકમેઈલીંગથી કંટાળીને નેનુએ ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ ઘટના પછી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જો કે, તે સગીર હોવાનું ખુલ્યું હતું. જો કે, આ ઘટનાના બે દિવસ પછી તે પુખ્ત થઇ ગયો હતો. આથી પોલીસે હવે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ એફિડેવિટ કરી સગીર આરોપીનો કેસ પુખ્ત ગણી ચલાવવાની માગ કરી છે.

સુરતના ડી.સી.પી. પીનાકીન પરમારના જણાવ્યા અનુસાર, આ મામલામાં આરોપીના પિતાએ શિક્ષિકાના પિતાને ધમકી આપી હોવાથી તેમની પણ ધરપકડ કરવામાં આવી છે.બીજી તરફ પાટીદાર દીકરીના આપઘાત કેસમાં પાટીદાર સમાજમાં આક્રોશ છે ત્યારે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે ગૃહ રાજ્યમંત્રી સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, રાજ્યમાં કાયદાના પાલન સાથે ડર પણ જરૂરી છે.
આ પણ વાંચો : ED Notice Google Meta : EDનો Google-Meta પર સકંજો: બેટિંગ એપને પ્રોત્સાહન આપવા મામલે ફટકારી નોટિસ
આર.પી. પટેલે સુરતની ઘટના બાદ એક વીડિયો જાહેર કરી રાજ્યમાં દીકરીઓ પોતાની સ્વરક્ષા માટે ત્રિશુલ રાખે તેવી વાત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, અસામાજિક તત્વો વરૂ બની સમાજમાં ફરી રહ્યા છે, લુખ્ખાઓ સામે પ્રતિકાર કરવો એ ગુનો નથી, યુવા પેઢીમાં પ્રતિકાર કરવાની માનસિકતા ઘટી રહી છે.
આર.પી. પટેલે દીકરીઓને સ્વરક્ષા માટે છ ઈંચથી નાનું એક ત્રિશુળ પોતાના પર્સમાં રાખવા માટે સલાહ આપી છે, અને કોઈ પણ અસામાજીક તત્વોથી ડરશો નહીં તેમનો સામનો કરો અને આપઘાત જેવું પગલું ક્યારેય ભરશો નહીં તેવી સલાહ પણ આપી છે.
સુરતના પાટીદાર સમાજે મુખ્યમંત્રીને પણ પત્ર લખીને આરોપીને કડક સજા કરવા માંગણી કરી છે.