અદ્ભૂત એર શો સાથે આકાશમાં 8000 ફૂટ ઉંચાઇએથી જમ્પ લગાવશે જાંબાજ જવાનો: રાજકોટમાં અટલ સરોવર ખાતે યોજાયું ફૂલ ડ્રેસ રિહર્સલ
રાજકોટ શહેરમાં અગાઉ ક્યારેય ન યોજાયો કે ન નિહાળવા મળ્યો હોય તેવો અદ્ભૂત એર શો આગામી રવિવારે યોજાશે. કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું છે. એર શોની સાથે રાજકોટ મહાપાલિકા દ્વારા આકર્ષણનું વધુ એક છોગું ઉમેરવામાં આવ્યું છે. એર શોનો નજારો તો નિહાળવા મળશે જ સાથે સાથે આભની અટારીએ 8000 ફૂટ જેવી ઉંચાઈએથી જાંબાજ જવાનો જમ્પ લગાવી જમીન પર ઉતરશે. આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમ પણ એર શોમાં જોડાઈ છે. રાજકોટવાસીઓ કે હવાઈ નજારા નિહાળવાના અસંખ્ય શોખીનો માટે બે દિવસ મોકો મળશે. શનિવારે સવારે 10 કલાકે ફૂલડ્રેસ રિહર્સલ યોજાયું હતું જેમાં એરક્રાફ્ટની ધણધણાટી સાથે મેઘધનુષી દૃશ્યો તથા જાંબાજ જવાનોના આકાશમાંથી જમીન પર પડતું મુકતા જીવ સટોસટીના કૌશલ્ય પણ નિહાળવા મળ્યા હતા.
શનિવારે રીહર્સલ બાદ બીજા દિવસે તા.7ને રવિવારે રીયલ શો યોજાશે આમે શનિવાર અને રવિવાર બે-બે દિવસ રાજકોટનું આકાશ રંગબેરંગી રંગોથી અને એરક્રાફ્ટ્સની ઘરઘરાટી ગર્જી ઉઠશે. ભારતીય વાયુસેનાના વિશ્વવિખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમના કેપ્ટનો તેમની કળા અને આકાશમાં એરક્રાફ્ટને બુધ્ધિ અને નિપૂણતા સાથે ક્નટ્રોલમાં રાખી નવ-નવ એરક્રાફ્ટ એકદમ નજીકના અંતરે ઉડશે. આકશમાં ઉપરા-છાપરી ગુલાટો લેશે કે એક પછી એક એરક્રાફ્ટ આભમાં પણ રેસ લગાવશે. આ અદ્ભૂત નજારા સાથે હેલિકોપ્ટરમાંથી આકાશ ગંગા સ્કાય ડાઈવિંગ ટીમના જવાનો પેરાશૂટ સાથે દિલધડક જમ્પ લગાવી જમીન પર ઉતરશે. આ દેશભક્તિ, ગૌરવ રોમાંચિત દૃશ્યો નિહાળવા એ લ્હાવારૂપ બની જશે.
એરફોર્સ બેન્ડનું લાઇવ નિદર્શન સાથે વાયુસેનાના શસ્ત્રો પણ મળશે નિહાળવા
એર શોમાં એક-એક આકર્ષણ હશે જેમાં એરફોર્સ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ પણ એક નજારો જ હશે. બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતો, મિલીટરી બેન્ડ ટ્યુન્સ, વાયુસેનાનું ખાસ થીમ મ્યુઝિક આ ઉપરાંત અવનવા સંગીત, સૂરોની ધૂનો રેલાશે. તા.6 અને 7 બે દિવસ માટે અટલ સરોવરના પાર્કિંગ પ્લોટમાં બપોરે 12 કલાકથી સાંજના 6 વાગ્યા સુધી એરફોર્સ સ્ટેટિક ડિસ્પ્લેમાં એરફોર્સના સાધનો, શસ્ત્રોનો ખજાનો પણ નિહાળવા મળશે.
આવતીકાલે રવિવારે યોજાનાર કાર્યક્રમો
આવતીકાલે રવિવારે મુખ્ય કાર્યક્રમમાં એરફોર્સ બેન્ડના પરફોર્મન્સ દ્વારા સ્વાગત કરાશે. બાદમાં C-295 એરક્રાફ્ટ ફ્લાયપાસ થશે અને આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ દ્વારા આકાશમાંથી જમ્પ કરી પરફોર્મન્સ કરવામાં આવશે. જમ્પ કરેલા જવાનોને હેલિકોપ્ટર MI-17V5 દ્વારા વિંગસિંગ ઓપરેશન કરીને એરલિફ્ટ કરવામાં આવશે. ત્યારબાદ એરફોર્સ બેન્ડ પરફોર્મન્સ કરશે અને અંતે આકાશમાં ભવ્ય સૂર્યકિરણ એર-શો યોજાશે. આ વિશાળ કાર્યક્રમો રાજકોટના આકાશ અને ધરતી બંનેને દેશપ્રેમ, ગૌરવ અને સંગીતની સુંદરતાથી રંગીને શહેર માટે ઐતિહાસિક ક્ષણો સર્જશે.
આ પણ વાંચો :Team India Toss win: 20 મેચ પછી, ભારતે ODIમાં ટોસ જીત્યો, વિશાખાપટ્ટનમમાં હારનો સિલસિલો તોડ્યો, જુઓ વિડીયો

આકાશમાંથી પેરા ટ્રુકર્સ અવનવા કરતબો સાથે જમીન પર ઉતરશે, ફરી એરલીફ્ટ થશે
આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમ દેશ-વિદેશમાં પણ તેમની અનોખી કલાથી આગવી ઓળખ ધરાવે છે. આ ટીમના પેરા ટ્રુકર્સ (જાંબાજ જવાનો) આકાશમાંથી નીચે ઝંપલાવશે. ફોર્મેશન, રંગીન સ્મોક ટ્રેઈલ્સ અને અન્ય આવા શ્વાસ થંભાવી દે તેવા સ્ટન્ટ્સ રજૂ કરશે. જવાનોના અદ્ભૂત સાહસ અને શિસ્તબધ્ધતાના પણ દર્શન થશે. જમીન પર લેન્ડ થનારા પેરા ટ્રુકર્સ હેલિકોપ્ટર મારફતે ફરી એરલિફ્ટ થશે.

દર્શકો માટે મહાપાલિકા દ્વારા અલગ-અલગ વ્યવસ્થા ઉભી કરાઇ
રાજકોટ મહાપાલિકા દ્વારા અટલ સરોવરના સરાઉન્ડિંગ એરિયામાં આ દિલધડક શો નિરાંતે નિહાળી શકાય માટે અલગ-અલગ વ્યવસ્થા ઉભી કરાઈ છે જેમાં 17થી 20 મોટી સ્ક્રીન મુકાઈ છે. ભારતીય બેઠક બનાવાઈ છે. 30થી વધુ સાઉન્ડ ટાવર ઉભા કરાયા છે. લાઈવ બેન્ડની સુરાવલી માટેની વ્યવસ્થા ઉભી કરાઈ.
