રાજકોટમાં દારૂ પકડે ક્રાઈમ બ્રાન્ચ અને દંડ ભરે સ્થાનિક પોલીસ! કૂવાડવા પોલીસ મથક ડી-સ્ટાફ બે, આજી ડેમ ડી-સ્ટાફ એક વખત થયો દંડિત
રાજકોટમાં દારૂનું દૂષણ `ઘર’ કરી ગયું હોય તેવી રીતે જેટલો દારૂ પકડાય છે એટલો જ અથવા તો તેના કરતા વધુ દારૂ પીવાઈ-વેચાઈ જતો હોવાનું એક નહીં બલ્કે અનેક વખત ચર્ચાઈ ચૂક્યું છે. પોલીસ બૂટલેગર કે ખેપીયા ઉપર ગમે એટલી નજર રાખે પરંતુ અવનવા કીમિયા કરી દારૂ રાજકોટમાં ઘૂસી જ રહ્યો છે તે વાસ્તવિક્તા કોઈ નકારી શકે તેવી સ્થિતિમાં નથી. જો કે આ દૂષણ સામે બને એટલું કડક હાથે કામ લેવા માટે ઉપરી અધિકારીઓ વારંવાર આદેશ આપી રહ્યા હોય જેના પગલે એક બાદ એક દરોડા પાડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ત્રણ દિવસની અંદર અલગ-અલગ બે પોલીસ મથકની હદમાંથી દારૂનો મસમોટો જથ્થો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવતાં સ્થાનિક પોલીસની હાલત ખરાબ થઈ જવા પામી છે અને એક નહીં પરંતુ ત્રણ-ત્રણ વખત દંડિત થવું પડતાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે.

ડીસીબી (ડિટેક્શન ક્રાઈમ બ્રાન્ચ)એ રવિવારે રાત્રે રાજકોટ-અમદાવાદ હાઈ-વે, ક્રિષ્ના વોટર પાર્ક સામે રોડ ઉપરથી દારૂના 18288 `ચપલા’ મતલબ કે નાની બોટલ ભરેલો ટ્રક પકડી પાડ્યો હતો. આ પછી સોમવારેરાત્રે પીસીબી (પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચ)એ સોમવારે રાત્રે આજીડેમ પોલીસ મથકની હદમાં આવતાં કૈલાશ ઈન્ડસ્ટ્રીઝ એરિયા, 80 ફૂટ રોડ પરથી દારૂની 2784 બોટલ ભરેલું આઈશર પકડી પાડવામાં આવ્યું હતું. જ્યારે મંગળવારે રાત્રે ક્રાઈમ બ્રાન્ચે રાજકોટ-અમદાવાદ હાઈ-વે, ક્રિષ્ના વોટર પાર્ક પાસેથી દારૂ ભરેલી મર્સિડીઝ કાર પકડી લેવામાં આવતાં કૂવાડવા પોલીસ મથકના સ્ટાફે બે વખત અને આજીડેમ પોલીસ મથકના સ્ટાફે એક વખત દંડિત થવું પડ્યાનું સામે આવ્યું હતું.

બીજી બાજુ બન્ને પોલીસ મથકના સ્ટાફમાં એવો કચવાટ અને રોષ પણ સાંભળવા મળ્યો હતો કે રનિંગ રેડ એટલે કે પોલીસ મથકની હદ પાસેથી પસાર થતું વાહન બ્રાન્ચ દ્વારા પકડાય એટલે સ્થાનિક પોલીસને દંડ ફટકારવો વ્યાજબી નથી કેમ કે સ્ટેટ મોનિટરિંગ સેલ સહિતની એજન્સી દ્વારા જ્યારે રનિંગ રેડ પાડી દારૂ પકડવામાં આવે છે ત્યારે સ્થાનિક પોલીસની જવાબદારી ફિક્સ થતી નથી. જો પઝેશન મતલબ કે પોલીસ મથકની હદમાં પડેલો દારૂ પકડાય તો દંડનીય કાર્યવાહી થાય તેમાં કોઈને વાંધો ન હોઈ શકે. જો કે પોલીસ એ ડીસીપ્લીન ફોર્સ હોય તેમાં કોઈ કશું ખૂલીને બોલવાની જગ્યાએ મૂંગા મોઢે દંડ સહન કરી રહ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
આ પણ વાંચો : GSTમાં 12 ટકાનો સ્લેબ થઈ શકે છે દૂર, જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી
વળી, ત્રણ દિવસની અંદર દારૂનો આટલો મોટો જથ્થો બ્રાન્ચ દ્વારા પકડવામાં આવતાં પીઆઈ દ્વારા પણ સ્ટાફને એક્ટિવ રહેવાનો આદેશ અપાયો હતો. જો કે સ્ટાફે કૂવાડવા પોલીસ મથકનો વિસ્તાર હાઈ-વે હોય અને રાજકોટમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ હોવાથી ભૌગોલિક દૃષ્ટિ પણ સમજવી જરૂરી હોવાનો મત આપ્યો હતો. એકંદરે અત્યારે ક્રાઈમ બ્રાન્ચની એક બાદ એક કાર્યવાહીથી સ્થાનિક પોલીસના શ્વાસ અધ્ધર ચડી જવા પામ્યા છે.
આ પણ વાંચો : પાકિસ્તાની સેલિબ્રિટીઝને ઝટકો : હાનિયા-માહિરા, ફવાદ-આફ્રિદી સહિતના સ્ટારના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફરી બૅન
સ્ટાફે કહ્યું, અગાઉના સીપી તો છ મહિનાનો ઈજાફો જ અટકાવી દેતાં !
જે બે પોલીસ મથકની હદમાંથી દારૂનો જથ્થો પકડાયો છે ત્યાંના સ્ટાફે હસતાં મોઢે કહ્યું કે અત્યારે માત્ર બેદરકારી ફિક્સ કરીને દંડ જ લેવામાં આવી રહ્યો છે પરંતુ જો અગાઉના સીપી હોત તો અમારે ઘણું નુકસાન વેઠવું પડ્યું હોત કેમ કે એ અધિકારી આ પ્રકારે દારૂ પકડાય એટલે સીધા છ મહિનાનો ઈજાફો જ અટકાવી દેતા હતા પરંતુ હવે માત્ર દંડ ભરપાઈ કરીને અમારો છૂટકારો થઈ જાય છે.
