વિઝા પૂર્ણ થયા બાદ પણ રાજકોટ ન છોડનારા આફ્રિકનો પર તવાઇ : પાસપોર્ટ વિભાગપાસેથી A ટુ Z માહિતી મંગાવતી પોલીસ
રાજકોટ DCP ક્રાઈમ તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ જગદીશ બાંગરવાએ શહેરમાં છેલ્લા ઘણા સમયથી માથાના દુઃખાવારૂપ બની ગયેલા આફ્રિકન વિદ્યાર્થીઓ એને બિઝનેસ વિઝાના નામે રાજકોટ આવી ગયા બાદ પરત જવાનું નામ નહીં લેનારા લોકો ઉપર તવાઈ બોલાવી સઘન ચેકિંગનો આદેશ આપતા જ સવારથી જ SOG, ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમે દોડધામ શરૂ કરી દીધી હતી.

પોલીસે માધાપર, રતનપર ઉપરાંત મારવાડી યુનિવર્સિટી આસપાસના વિસ્તારમાં મકાન, ફ્લેટ કે પેઇંગ ગેસ્ટ તરીકે ભાડે રહેતા આફ્રિકન વિદ્યાર્થીઓ અને પાસેથી એ ટુ ઝેડ માહિતી મંગાવતી પોલીસ લોકોના વિઝા રિન્યુ થયા છે કે નહીં, કેટલા સમયથી અહીં રહે છે, અહીં રહેવાનો હેતુ શું છે તે સહિતની બાબતોનું ચેકિંગ શરૂ કર્યું હતું.

આ અંગે DCP ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું કે સાત જેટલી યુવતી અને એક યુવક સહિત આઠ લોકોના વિઝા શંકાસ્પદ જણાતા તેમની સઘન પૂછપરછ કરવામાં આવી છે સાથે સાથે પાસપોર્ટ વિભાગ પાસેથી વિઝા સંબંધિત મુાહિતી પણ મંગાવવામાં આવી છે. પોલીસને શંકા છે કે આ તમામના વિઝા પૂર્ણ થઈ ગયા બાદ પણ રાજકોટમાં વસવાટ કરી રહ્યા હતા.

જો વિઝા પૂર્ણ થયા બાદ પણ રાજકોટમાં રહેતા હોવાનું જણાશે તો તાત્કાલિક તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરાશે. મહત્ત્વનું એ છે કે આઠમાંથી સાત યુવતી બિઝનેસ વિઝા ઉપર રાજકોટ આવ્યાનું ધ્યાન પર આવ્યું છે ત્યારે રાજકોટમાં આ યુવતીઓને શું બિઝનેસ કરવાનો છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. જો કે અમુક યુવતી એવું રટણ કરી રહી છે કે તેમણે વિઝા માટે એપ્લાય કરી દીધું છે.

પોલીસની અલગ-અલગ ટીમ દ્વારા સવારથી જ હડાળા, રતનપર કે જ્યાં સૌથી વધુ આફ્રિકન લોકો રહેતા હોવાની ફરિયાદો મળી રહી હતી તે તેના ઉપરાંત માધાપર સહિતના વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું સાથે સાથે આ લોકો જ્યાં રહે છે તેની પણ બારિકાઈથી તપાસ કરવામાં આવી હતી.
