રાજકોટ અગ્નિકાંડ કેસમાં કોર્ટે કાર્યવાહી બનશે ઝડપી! મનસુખ સાગઠીયા સહિત 7 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ, આ તારીખે ચાર્જફ્રેમ થવાની શક્યતા
રાજકોટ અગ્નિકાંડ કેસમાં હાલ કાયદાકીય દાવપેચ ચાલી રહ્યા છે.ત્યારે મનસુખ સાગઠીયા સહિત 7 આરોપીએ કરેલી ડિસ્ચાર્જ ( બિન તોહમત છોડી મૂકવા) અરજી અદાલતે રદ કરી છે. તેવામાં 17મીએ ચાર્જફ્રેમ થવાની શક્યતા તેમજ સરકારે કરેલી ડે ટુ ડે સુનાવણી માટેની અરજી અંગે પણ કોર્ટે પોતાનો નિર્ણય આપી શકે છે.જેથી આ કેસની ઝડપી સુનાવણી ચાલે અને ભોગ બનનારને ઓછા સમયમાં ન્યાય મળી શકે.

રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટેલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં 27 નિર્દોષ લોકોનાં મોત થયાં હતાં અને ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી, જેમાં કુલ 16 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો આ ઘટનામાં પ્રકાશચંદ હીરન નામના આરોપનું મોત થતાં બાકીના 15 આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ બાદ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. હાલમાં કેટલાક આરોપીઓને જામીન મળી ચૂક્યા છે, જેમાં રાજેશ મકવાણા, ગૌતમ જોષી અને જયદીપ ચૌધરીનો સમાવેશ થાય છે. ચાર્જશીટ રજૂ થયા બાદ આરોપીઓ મનસુખ સાગઠીયા, ભીખા ઠેબા,ગૌતમ જોષી, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા, ધવલ ઠક્કર અને નીતિન લોઢાએ કેસમાંથી ડિસ્ચાર્જ થવા માટે અરજીઓ કરી હતી.

અરજી ચાલવા પર આવતા આરોપીઓ તરફે વકીલઓ દ્વારા દલીલો કરી હતી કે, આરોપીઓ નિર્દોષ છે અને તેઓની સામે પુરાવો ન હોવા છતાં પોલીસે ચાર્જશીટ કરેલ છે. ચાર્જ ફરમાવતી વખતે અદાલતે સંપૂર્ણ પુરાવાનું પૃથકરણ કરવું જોઈએ અને જો એકથી વધારે દ્રષ્ટિકોણ સંભવિત હોય તો આરોપી તરફેના દ્રષ્ટિકોણને લક્ષમાં લઈ આરોપીઓને ડિસ્ચાર્જ એટલે કે બિનતહોમત છોડી મૂકવા જોઈએ, અમુક સાક્ષીઓએ પોતાને બચાવવા માટે પાછળથી ઉભી કરેલ સ્ટોરીને સમર્થન કરતા ખોટા નિવેદનો લખાવેલ છે. જેની સામે સરકાર પક્ષે દલીલો કરી હતી કે, ડિસ્ચાર્જ અરજી નિર્ણનિત કરતા સમયે અદાલત માત્ર મર્યાદિત રીતે પુરાવાનું મૂલ્યાંકન કરી શકે આરોપીઓ તરફે સાહેદોની ઉલટ તપાસ કર્યા વિના કે સાહેદ જણાવે છે તેના વિરુદ્ધની હકીકત પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી આરોપીઓ તરફે માત્ર દલીલમાં જણાવવાથી પ્રોસિકયુશનની પુરાવાની વિશ્વસનિયતા પડકારી શકાય નહીં. કેસમાં ચાર્જફ્રેમ થઈ શકે તેટલો મજબૂત પુરાવો તપાસનીશ અમલદાર દ્વારા એકઠો કરીઅદાલત સમક્ષ મૂકવામાં આવેલ છે.
આ પણ વાંચો : આવતીકાલે બેન્કોમાં હડતાળ : ગુજરાતના 10,000 કર્મચારી જોડાશે, જાણો શું છે કારણ, કઈ-કઈ સેવા રહેશે બંધ?
જે બાદ સરકાર પાસે કરવામાં આવલી દલીલો અને આરોપીઓના ગુનાહિત કૃત્યના સંદર્ભે તેમની સામે રજૂ થયેલ પુરાવા મુજબ વિવિધ કલમો હેઠળ પ્રથમ દર્શનીય રીતે પુરાવો હોવાનું માની આરોપીઓને સંપૂર્ણ બિનતોહમત છોડી મૂકવાની અરજી ફગાવી દીધેલ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપીઓ ડિસ્ચાર્જ અરજી અંગે સેશન્સ કોર્ટનો નિર્ણય હાઇકોર્ટેમાં પડકાર શકે છે. જો આવું ન થાય તો શક્યતા રહેલી છે કે, આગામી મુદતમાં ચાર્જફ્રેમ થઈ જાય અને ડે ટુ ડે સુનાવણી અંગે પણ કોર્ટે પોતાનો નિર્ણય આપી શકે છે. જેથી ભોગ બનનારને ઝડપી ન્યાય મળી રહે. આ કેસમાં સરકાર તરફે સ્પે.પી.પી તુષાર ગોકાણી, એ.પી.પી નિતેશ કથીરિયા તેમજ ભોગબનનાર પરિવારો તરફે રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ ઉપ-પ્રમુખ સુરેશ ફળદુ ,અને એન.આર.જાડેજા રોકાયેલા છે.
