મોરબી ઝૂલતાપુલ કેસમાં જયસુખ પટેલને કોર્ટની રાહત : મોરબી જિલ્લામાં પ્રવેશવા અને રહેવાની છૂટ
135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ગોઝારી મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનાના મુખ્ય આરોપી એવા ઓરેવા કંપનીના મેનેજીંગ ડિરેક્ટર જયસુખ પટેલને મોરબી કોર્ટે રાહત આપી છે, લાંબા સમય સુધી જેલવાસ ભોગવ્યા બાદ જામીન મુક્ત થયેલ જયસુખ પટેલને અગાઉ મોરબી જિલ્લામાં પ્રવેશવાની મનાઈ ફરમાવી હતી જેમાં કોર્ટે રાહત આપી મોરબી જિલ્લામાં પ્રવેશવાની છૂટ આપી છે.
૩૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ગોઝારી દુર્ઘટનામાં મોરબીનો ઐતિહાસિક ઝૂલતોપુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ દુર્ઘટના બાદ મોરબી પોલીસે ઝૂલતાપૂલનું સંચાલન અને વ્યવસ્થાપન સાંભળનાર ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ સહિત 10 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો જેમાં મુખ્ય આરોપી એવા જયસુખ પટેલ લાંબા જેલવાસ બાદ જામીનમુક્ત થયા હતા. જયસુખ પટેલને જામીન મુક્તિ સમયે શરત નંબર આઠમા મોરબી જિલ્લામાં પ્રેવેશવા ઉપર મનાઈ ફરમાવી હતી જેમાં કોર્ટ દ્વારા હવે રાહત આપી જયસુખ પટેલને મોરબી જિલ્લામાં રહેવા અને પ્રવેશવાની છૂટ આપવામાં આવી હોવાનું સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યું હતું. જો કે, ઝૂલતાપૂલ કેસમાં તમામ આરોપીઓએ બિનતહોમત છોડી મુકવા કરેલ અરજી અંગે આગામી 15 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.