રાજકોટમાં કુરિયર બોયનું વિદ્યાર્થિની પર દુષ્કર્મ : ઈન્સ્ટાગ્રામથી પરિચય કેળવી પ્રેમજાળમાં ફસાવી,વાંચો શું છે સમગ્ર ઘટના
રાજકોટમાં દુષ્કર્મની પોલીસ ચોપડે નોંધાઈ રહેલી ફરિયાદો ખરેખર ચિંતાનો વિષય બની ગયા છે ત્યારે મહત્તમ કિસ્સામાં સોશ્યલ મીડિયા એપથી સંપર્કમાં આવ્યા બાદ પ્રેમ પાંગરે અને ત્યારપછી વાત દુષ્કર્મ સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે ત્યારે આવી જ વધુ એક ઘટના બનવા પામી હતી. 30 વર્ષના કુરિયર બોયે વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ ગુજાર્યું સાથે સાથે તેના પિતા અને વિદ્યાર્થિની ઉપર પાઈપથી હુમલો કરતા આખરે 30 વર્ષના શખસ વિરુદ્ધ પૉક્સોની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.
આ અંગે હાલ શહેરની એક કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેનો સંપર્ક ઈન્સ્ટાગ્રામ મારફતે કુરિયરનું કામ કરતા નિખીલ રસિકભાઈ રાવલ સાથે થયો હતો. આ પછી બન્ને વચ્ચે નિયમિત વાતચીત પણ થતી હતી. આ પછી નિખીલે તેને પ્રેમજાળમાં ફસાવી લાખના બંગલા પાસે શ્યામનગરમાં બિલેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલા મકાનમાં ઉપરના માળે તેમજ હોટેલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું.
આખરે નિખીલથી કંટાળી વિદ્યાર્થિનીએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને પોતાનો ફોન પણ સ્વિચ ઓફકરી દીધો હતો. જો કે સાત દિવસ પહેલાં વિદ્યાર્થિની તેના પિતા સાથે રેસકોર્સથી પોતાના ઘેર જઈ રહી હતી ત્યારે નિખીલે ત્યાં ધસી આવી પિતા તેમજ વિદ્યાર્થીની ઉપર પાઈપથી હુમલો કરતા બન્નેને ઈજા પહોંચી હતી. એકંદરે નિખીલ વિદ્યાર્થીનીને પજવવાનું બંધ જ ન કરતો હોય આખરે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
