ગુજરાત સરકારના મંત્રીમંડળ વિસ્તરણનું કાઉન્ટડાઉન: CM સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા,રાજ્યપાલને સોંપાશે નવા મંત્રીમંડળનું લિસ્ટ
એક સપ્તાહ અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની પસંદગી થયા બાદ હવે ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે આજે બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી પરત આવી પહોંચતા એકબાદ એક બેઠકનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, મુખ્યમંત્રી સિવાઈ તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે. સાંજે મંત્રી મંડલનું લિસ્ટ રાજ્યપળના સોંપવામાં આવશે. મંત્રીમંડળના વિસ્તરણની તારીખ 17 ઑક્ટોબર એટલે કે ધનતેરસ નક્કી કરવામાં આવી છે અને નવા મંત્રીમંડળમાં સામેલ થનારા દરેક મંત્રી 17 ઑક્ટોબરને શનિવારે બપોરે 12:39 વાગ્યાના વિજયમુહૂર્તમાં મહાત્મા મંદિરમાં શપથ લેશે તેમજ મંત્રીમંડળની સંખ્યા 23 થશે.
મુંબઈથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રીની એક બાદ એક બેઠકનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓનો શપથ વિધિ શુક્રવાર, તા :17 ઓક્ટોબરે સવારે 11.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. શપથવિધિની તૈયારીઓનો ધમધમાટ પણ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે મુખ્યમંત્રી સિવાઈ તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે. આ સૂચવે છે કે કોઈ મોટા પાયે ફેરફાર થવાના છે. CM રાજીનામાંની યાદી રાજ્યપાલને સોંપશે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યમંત્રીમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીશ્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ આ સમારોહમાં લેવરાડાવશે.
રાત્રે 8 વાગ્યે CM નિવાસસ્થાને મહત્ત્વપૂર્ણ બેઠક
આજે રાત્રે 8 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્ત્વની બેઠક મળશે. સીએમ હાઉસની બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રખાશે તથા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધન કરશે. મંત્રીમંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને સીએમ હાઉસ ખાતેની બેઠકમાં જ જાણ કરવામાં આવશે.
ભાજપના ધારાસભ્યો ગાંધીનગર હાજર રહે તેવી સૂચના ગઇકાલે જ આપી દેવામાં આવી હતી ત્યારે આજે મુખ્યમંત્રી ગાંધીનગર આવી પહોંચતા બેઠકનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે. જે પ્રકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે બે દિવસ દરમિયાન એક બાદ એક બેઠક કરીને ગુજરાત પરત ફર્યા તે ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો હરિયાણાનો પ્રવાસને પણ ટુકવી દેવામાં આવ્યો છે. ત્યારે લાગી રહ્યું છે કે મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા છે.
આ પણ વાંચો :અહો આશ્ચર્યમ! AIની મદદથી સાયબર ઠગોએ બનાવી નકલી સુપ્રીમ કોર્ટ, બે વૃધ્ધો પાસેથી રૂપિયા 7 કરોડ લૂટી લીધા
તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા
ગાંધીનગરના રાજકીય ગલિયારાઓમાં એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે બુધવારે મળતી કેબિનેટની બેઠકને એક દિવસ મોડેથી મતલબ કે ગુરૂવારે બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ આ બેઠક પણ બોલાવવામાં આવી નથી. સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ 15 ઓક્ટોબરના રોજ મળી નહોતી. આજે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું, જોકે અચાનક આજે મળનારી કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી. બપોરે 3 વાગ્યે CM ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી પરત આવ્યા બાદ તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો :રાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં ફરી ગાંધીનગરથી તપાસ : GMSCLના ગોડાઉન અંગે કલેકટરના રિપોર્ટ બાદ એક્શન લેવાયા
મંત્રીમંડળની સંખ્યા 23 થશે
અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની ટીમમાં તેમના ઉપરાંત આઠ કેબિનેટ કક્ષાના અને આઠ રાજ્યકક્ષાના મળી કુલ 17 મંત્રીઓ છે. જો કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તેમજ 2027ની વિધાનસભા ચૂંટણી ઉપરાંત આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં `ઉભાર’ જોઈને મંત્રીઓની સંખ્યા 23 હોવાનું સૌ કોઈ કહી રહ્યા છે પરંતુ ભાજપ જ્યાં સુધી જાહેર ન કરે ત્યાં સુધી ચર્ચાને માત્ર ચર્ચા જ રહેવા દેવી જોઈએ તેવું પણ એક વર્ગ માની રહ્યો છે કેમ કે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ગુજરાતના રાજકારણના દરેક પાસાની ચકાસણી કર્યા બાદ જ મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા મંત્રીઓની યાદી ઉપર મંજૂરીની મ્હોર લગાવી હોવાથી હવે આ મુદ્દે સત્તાવાર જાહેરાતની રાહ જ જોવી રહી…
મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું વજન વધે તેવી શક્યતા!
ખાસ કરીને સૌરાષ્ટ્રનું `વજન’ દિવસેને દિવસે ગાંધીનગરમાં ઘટી રહેવા ઉપરાંત સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના ઝંઝાવાતી પ્રચાર તેમજ સભાઓ અને તેમાં ઉમટી રહેલી ભીડને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રને મંત્રીમંડળમાં વધુ પ્રાધાન્ય અપાઈ શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતનો પ્રભાવ પણ નવા મંત્રીમંડળમાં જોવા મળશે તેવી શક્યતા રાજકીય સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
રાજકોટમાંથી કોને તક મળશે ?
હાલ ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં એકમાત્ર મહિલા ધારાસભ્ય ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી તરીકે કાર્યરત છે. ભાનુબેન રાજકોટ-71ની બેઠક પરથી ચૂંટાયા છે પરંતુ દસમાંથી આઠ લોકો એવું કહી રહ્યા છે કે નવા મંત્રીમંડળમાં તેમને સ્થાન મળે તેવું લાગી રહ્યું નથી ત્યારે ભાનુબેનને પડતા મુકાય તો રાજકોટમાંથી તેમના સ્થાને કોને તક મળે ? જો કે એક વર્ગ એવું પણ માની રહ્યો છે કે જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખી ભાનુબેનના સ્થાને રાજકોટમાંથી નહીં બલ્કે અન્ય કોઈ જિલ્લામાંથી પસંદગી થઈ શકે છે. જો આમ ન બને તો પછી ઉદય કાનગડ અથવા ડૉ.દર્શિતા શાહ મંત્રી બને તેવી શક્યતા નકારી શકાતી નથી.
હાલનું મંત્રીમંડળ
કેબિનેટ મંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ (મુખ્યમંત્રી), કનુભાઈ દેસાઈ (નાણામંત્રી), ઋષિકેશભાઈ પટેલ (આરોગ્ય મંત્રી), રાઘવજીભાઈ પટેલ (કૃષિ મંત્રી), બલવંતસિંહ રાજપુત (ઉદ્યોગમંત્રી), કુંવરજીભાઈ બાવળિયા (પાણી પૂરવઠા મંત્રી), મુળુભાઈ બેરા (પ્રવાસન મંત્રી), ડૉ.કુબેરભાઈ ડિંડોર (આદિજાતિ વિકાસ મંત્રી), ભાનુબેન બાબરિયા (મહિલા અને બાળ વિકાસ મંત્રી)
રાજ્યકક્ષાના મંત્રી
હર્ષ સંઘવી (ગૃહ-રમત-ગમત મંત્રી), જગદીશભાઈ વિશ્વકર્મા (લઘુ-મધ્યમ ઉદ્યોગ મંત્રી)-હાલના પ્રદેશ પ્રમુખ, પરસોત્તમભાઈ સોલંકી (મત્સ્યોદ્યોગ મંત્રી), બચુભાઈ ખાબડ (પંચાયત મંત્રી), મુકેશ પટેલ (વન અને પર્યાવરણ), પ્રફુલ પાનસેરિયા (શિક્ષણ મંત્રી), ભીખુસિંહ પરમાર (ખાદ્યાન્ન મંત્રી), કુંવરજીભાઈ હળપતિ (આદિજાતિ વિકાસ)
કોણ પડતું મુકાઈ શકે-કયા કારણથી ?
- બચુ ખાબડઃ પુત્રોના કૌભાંડમાં નામ ખુલવા ઉપરાંત મંત્રી તરીકે નિષ્ક્રિયતા
- રાઘવજી પટેલઃ નાદૂરસ્ત તબિયત
- પરસોત્તમ સોલંકીઃ નાદૂરસ્ત તબિયત
- જગદીશ વિશ્વકર્માઃ પ્રદેશ પ્રમુખ તરીકે પસંદગી પામ્યા હોવાથી
- ભાનુબેન બાબરિયાઃ મંત્રી તરીકે નિષ્ક્રિયતા ઉપરાંત અન્ય મહિલા ધારાસભ્યને પ્રાધાન્યતા આપવા
- કુંવરજી બાવળિયાઃ અન્ય કોળી ચહેરાને પ્રાધાન્ય આપવા
કોની એન્ટ્રી થઈ શકે ?
જયેશ રાદડિયા, ઉદય કાનગડ, અમિત ઠાકર, અમિત શાહ (એલિસબ્રિજથી ધારાસભ્ય), મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, રિવાબા જાડેજા, અર્જુન મોઢવાડિયા, અનિરુદ્ધ દવે (માંડવી-કચ્છના ધારાસભ્ય), સંગીતા પાટીલ, અલ્પેશ ઠાકોર, સી.જે.ચાવડા
