રાજકોટના અટલ સરોવર નજીક 45 એકર જગ્યામાં બનશે કન્વેન્શન સેન્ટર : દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી
ઉદ્યોગમેળા, દેશ-વિદેશના એક-એકથી ચડિયાતા એક્ઝિબિશન, મહાનુભાવોના મેળાવડા સહિતના કાર્યક્રમ માટે રાજકોટમાં એક કન્વેન્શન સેન્ટરની જરૂરિયાત હોવાની માંગ છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી. ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટમાં કાર્યરત તમામ GIDC તેમજ સાંસદો, ધારાસભ્ય સહિતના દ્વારા પણ કન્વેન્શન સેન્ટર તૈયાર કરવા માટે પોતાના સ્તરે રજૂઆત કરવામાં આવી રહી હોય આખરે તેમાં સફળતા – સાંપડતાં અટલ સરોવર પાસે 45 એકર જગ્યામાં – કન્વેન્શન સેન્ટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેનું કામ શરૂ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત પણ મોકલવામાં આવી હતી જેના પર આજે નિર્ણય લેવામાં આવ્યો છે.
મ્યુ.કમિશનર તુષાર સુમેરા દ્વારા જે દરખાસ્ત કરવામાં આવી હતી તે સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં મંજુર કરવામાં આવી છે. તેમાં જણાવ્યા પ્રમાણે રાજકોટ શહેર તેમજ આજુબાજુના છ જિલ્લાના વ્યાપાર જગત, ઔદ્યોગિક એકમ ધારકો, સાંસદો, ધારાસભ્યો, ચેમ્બર ઓફ કોમર્સ, તમામ GIDC સહિતની વારંવારની માંગણીને ધ્યાનમાં રાખી સ્માર્ટ સિટીના જે તે સમયના માસ્ટર પ્લાનમાં કન્વેનશન સેન્ટર માટેનો ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવામાં આવ્યો હતો_ રાજ્ય સરકારના વર્ષ 2025-26ના બજેટમાં કરાયેલી જાહેરાત તેમજ કેન્દ્ર સરકારના અર્બન ચેલેન્જ ફંડને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટને આગળ વધારવા માટેનો આ યોગ્ય સમય છે. રાજ્ય સરકાર દ્વારા આ યોજના પીપીપી ધોરણે કરવા હિમાયત કરવામાં આવી છે જે અન્વયે ૨૫% રકમ રાજકોટ મહાપાલિકા, 25 ટકા રકમ કેન્દ્ર સરકારના અર્બન ચેલેન્જ ફંડ હેઠળ તેમજ 50% રકમ પીપીપી, લોન, બોન્ડ મોડેલથી કરવાની થાય છે.

આ કન્વેનશન સેન્ટર રૈયા સ્માર્ટ સિટી (અટલ સરોવર) ખાતે 1.75 લાખ ચોરસ મીટર જગ્યા એટલે કે 45 એકર જમીન પર નિર્માણ પામશે. 2022માં જ્યારે આ પ્રોજેક્ટનો ડીપીઆર તૈયાર કરાયો ત્યારે 538 કરોડ રૂપિયાનો ખર્ચ નિર્ધાર કરવામાં આવ્યો હતો. મહાપાલિકા દ્વારા જે 25 % રકમ આ પ્રોજેક્ટ પાછળ આપવાની થાય છે તે જમીન આપવાના બદલામાં વાળી લેવામાં આવશે.
આ પણ વાંચો : આખરે રાજકોટના કેકેવી બ્રિજ નીચે ગેઈમઝોન શરૂ થશે : સંચાલન સોંપવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી
હાલ સરકાર દ્વારા આ માટે 25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેના થકી આ પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટ કમ ટ્રાન્ઝેક્શન એડવાઈઝર તેમજ પીએમસીની નિમણૂક કરવામાં આવશે. આ પછી કન્વેનશન સેન્ટરના બાંધકામ માટેનું ટેન્ડર તૈયાર કરી એજન્સી ફાઈનલ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નિર્માણ થયેલું કન્વેનશન સેન્ટર 34 એકર જગ્યામાં ફેલાયેલું છે જેની સામે રાજકોટનું કન્વેનશન સેન્ટર 45 એકરમાં નિર્માણ પામશે.