રાજકોટમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં પતંગોત્સવ યોજવા વિચારણા: 10 જાન્યુઆરીએ વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરાવવા પ્રયાસ
રાજકોટ માટે જાન્યુઆરી મહિનાથી 10થી 14 તારીખ અત્યંત મહત્ત્વની બની રહેવાની છે. 10થી 13 જાન્યુઆરી દરમિયાન શહેરમાં મારવાડી યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના ઉપસ્થિત રહેવાના છે. 10 જાન્યુઆરીએ સંભવતઃ બપોરે ચાર વાગ્યે વડાપ્રધાન રાજકોટમાં વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત અન્ય ટોચના નેતાઓ તેમજ ઉદ્યોગપતિઓ રાજકોટના `મહેમાન’ બનવાના છે. વળી, મકરસંક્રાંતિનો તહેવાર હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે દર વર્ષે અમદાવાદમાં આયોજિત થતો રાજ્યકક્ષાનો પતંગોત્સવ રાજકોટ લાવવા હિલચાલ શરૂ થઈ ગઈ છે. જો આમ બનશે તો વડાપ્રધાનના હસ્તે જ રાજકોટમાં પતંગોત્સવ ખુલ્લો મુકવામાં આવી શકે છે.
આ અંગે અધિકારી-પદાધિકારી સૂત્રોએ જણાવ્યું કે મહાપાલિકા દ્વારા 10થી 13 જાન્યુઆરી વચ્ચે એક દિવસ પતંગોત્સવનું આયોજન કરવામાં આવશે. જો કે આ વખતનો પતંગોત્સવ રાજ્યકક્ષાનો બની રહે તે માટે રાજકોટથી લઈ ગાંધીનગર સુધી બેઠક કરવામાં આવી રહી છે. ખાસ કરીને 10 જાન્યુઆરીએ વડાપ્રધાન રાજકોટ આવી રહ્યા હોવાથી તેમની હાજરીમાં જ રાજ્યકક્ષાના પતંગોત્સવનું આયોજન કરવા માટે બેઠકો ચાલી રહી છે.
આ પણ વાંચો :વિઝા ગમે તેટલી મુદતના હોય ભારતીયો USના અધિકારીઓ કહે તેટલું જ રોકાઇ શકશે : અમેરિકામાં ભારતીય યાત્રિકો માટે નવી સૂચના
જો આ આયોજનને મંજૂરી મળી જાય છે તો પછી કયા ગ્રાઉન્ડ ઉપર પતંગોત્સવ આયોજિત કરવો તેની ચર્ચાઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડ પર પસંદગી ઉતારાઈ પરંતુ અમુક વર્ગ ત્યાં રાજ્યકક્ષાના પતંગોત્સવનું આયોજન કરવાનો ઈનકાર કરી રહ્યો છે. આ પછી અટલ સરોવર ચર્ચામાં આવ્યું પરંતુ ત્યાં સુધી આવવું લોકો માટે લાંબું થઈ પડે તે મે હોવાથી તે સ્થળને પણ પડતું મુકવામાં આવ્યું છે. આ ઉપરાંત રેસકોર્સનું માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ પણ ચર્ચાયું હતું પરંતુ ત્યાં અત્યારે પેવેલિયન ઉભેલું હોવાથી પતંગવીરો માટે તે નડતરરૂપ બની શકે તેમ હોવાને કારણે હાલ તો રેસકોર્સ ગ્રાઉન્ડ ઉપર પ્રાથમિક પસંદગી ઉતારવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.
આ પણ વાંચો :ટ્રેનના ભાડાં ફરી વધ્યા! રેલવેએ જુલાઈમાં ટિકિટ મોંઘી કર્યા બાદ 2026ની શરૂઆત પૂર્વે બીજી વખત મુસાફરી મોંઘી કરી
જો કે બધું સમુંસુતરું પાર પડ્યું અને વડાપ્રધાન કાર્યાલય તરફથી મંજૂરી મળી ગઈ તો નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જ રાજ્યકક્ષાના પતંગોત્સવનું ઉદ્ઘાટન થશે અને તેમાં મોટી સંખ્યામાં પતંગવીરો ઉપસ્થિત રહેશે. એક વાત એવી પણ જાણવા મળી કે 10 જાન્યુઆરીમાં જર્મનીના ચાન્સેલર પહેલીવાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે અને તેઓ અમદાવાદમાં મુખ્યમંત્રીને મળવાના છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ અમદાવાદમાં તેમની હાજરીમાં જ પતંગોત્સવ યોજાય તેવી શક્યતા પણ રહેલી છે. આ સહિતના અનેક મુદ્દાની ચર્ચા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દિલ્હીમાં વડાપ્રધાનને મળીને કરવામાં આવી હતી.
