આજથી હેલ્મેટ સામે કોંગ્રેસનું મેદાન-એ-જંગ : રાજકોટના દરેક વોર્ડમાં ટેબલ મુકી લોકોના અભિપ્રાય લેવાશે
સોમવારથી રાજકોટમાં હેલ્મેટ પહેરીને જ ટુ-વ્હીલર ચલાવવું ફરજિયાત બનવાનું છે અને જો આ નિયમનું પાલન નહીં કરાય તો આકરા દંડની વસૂલાત શરૂ થનાર છે ત્યારે અત્યારથી જ આ નિયમનો વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં હેલ્મેટ ફરજિયાત ન હોવું જોઈએ તેવી રજૂઆત ખુદ ભાજપના જ પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યા બાદ વકીલો ઉપરાંત અન્ય સંસ્થાઓ પણ આ નિયમનો વિરોધ કરી રહી છે ત્યારે આજથી ફરજિયાત હેલ્મેટના વિરોધમાં કોંગ્રેસનું મેદાન-એ-જંગ શરૂ થશે.
શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ.રાજદીપસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી સહિતે જણાવ્યું કે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અઢારેય વોર્ડમાં ટેબલ મુકી લોકોને હેલ્મેટનો કાળો કાયદો મંજૂર છે કે નહીં તે પ્રકારે અભિપ્રાય લેવામાં આવશે. અભિપ્રાય આપનારનું નામ, સરનામું અને મોબાઈલ નંબર પણ લેવામાં આવશે. સર્વે પૂર્ણ થયા બાદ કેટલા લોકોને હેલ્મેટનો કાયદો મંજૂર છે અને કેટલા લોકોને કાયદો મંજૂર નથી તેની આંકડાકીય માહિતી સાથે સરકારને ઢંઢોળવા માટે આંદોલન કરવા સહિતના કાર્યક્રમ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા હેલ્મેટના કાયદાના વિરોધમાં એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવો જોઈએ અને તેમાં હેલ્મેટ બાબતે કોઈને રંજાડ થતી હોય તો તેઓ આ નંબર ઉપર ફોન કરીને મદદ મેળવી શકશે.
