રાજ્યમાં દિકરીઓ પર થતા અત્યાચાર સામે કોંગ્રેસે ન્યાય યાત્રા યોજી
દાહોદમાં માસુમની હત્યા તથા શૈક્ષણિક કેમ્પસમાં દિકરી પર અત્યાચાર સામે અમદાવાદમાં કોંગ્રેસ નો વિરોધ
સમગ્ર શિક્ષણ જગતને શર્મશાર કરતી અને કાળજુ કંપાવનારી દાહોદ ખાતે માસુમ દિકરીની હત્યા તથા રાજ્યમાં શૈક્ષણિક કેમ્પસમાં દિકરી પરના અત્યાચાર અંગે સઘન પગલા ભરવાની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા ન્યાય પદયાત્રા યોજવામાં આવી હતી.આ યાત્રામાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, હિમતસિંહ પટેલ, બિમલ શાહ સહિતના આગેવાનો જોડાયા હતા
અમદાવાદ ખાતે રાજીવ ગાંધી ભવન થી વિવેકાનંદજીની પ્રતિમા સુધીની ન્યાય પદયાત્રા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં યોજાઈ હતી.ન્યાય પદયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, કોંગ્રેસ પક્ષના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને બેટી બચાવો કોનાથી ? ભાજપ થી અને ભાજપ સરકારમાં સતત કથળી રહેલી કાયદો વ્યવસ્થાની સ્થિતી પર ભારે સૂત્રોચ્ચાર સાથે મોટીસંખ્યામાં કાર્યકરો આગેવાનો દીકરીઓને ન્યાય મળે તે માટે ન્યાય પદયાત્રામાં જોડાયા હતા અને વિવેકાનંદજીની પ્રતિમા સમક્ષ બે મીનીટનું મૌન પાળીને દાહોદની ઘટનામાં દિકરીને ન્યાય મળે તે માટે શપથ લીધા હતા.
સરકાર બેટી પઢાઓની વાતો કરે છે પણ જે રીતની ઘટનાઓ બની રહી છે ત્યારે ગુજરાતના વાલીઓ અને જનતાને બેટી બચાવોની ફરજ પડી રહી છે. દાહોદ જિલ્લાના સિંઘવડમાં ૬ વર્ષની દીકરીની જે રીતે કરપીણ હત્યા થઈ છે તે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખે તેમ છે. દીકરીને હત્યા કરનાર તેની શાળાના આચાર્ય હતા. કેટલાક ફોટો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. ગોવિંદ નટ્ટના સંઘના ગણવેશમાં શિબિરમાં ભાગ લેતા ફોટો જોવા મળ્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદની શિબિરમાં ભાગ લેતા જોવા મળે છે નરાધમ. શું સંઘ અને વીએચપી આ પ્રકારના લોકો માટે કોઈ વિરોધ દર્શાવશે ? શું ભાજપના બનાવટી લોકો, દાહોદની દીકરી માટે કેન્ડલ માર્ચ કાઢસે ખરા? તેવા સવાલ સાથે આગેવાનોએ આ યાત્રા યોજી હતી.
દાહોદની શાળામાં આચાર્ય દ્વારા આચરેલું કૃત્ય શિક્ષણજગતને શર્મસાર કરે તેવી ઘટના છે. દાહોદની સાથે બોટાદ, અમદાવાદ, રાજકોટ માં શિક્ષણ સંસ્થાનમાં જાતીય સતામણીની ફરિયાદ ઉઠી છે ત્યારે કોની ઉપર ભરોસો મૂકવો તે સવાલ થાય છે. ગુજરાત રાજ્યમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ ઉપર છે. આ પ્રકારના બનાવોમાં શિક્ષણ વિભાગ લીપાપોતી કરવાને બદલે સંગીન પગલાં ભરે તેવી માંગ છે કર્મયોગી જેવી અનેક તાલીમોમાં લાખો રૂપિયા ખર્ચી નાખવામાં આવે છે ત્યારે કઈ પ્રકારની તાલીમ આ કૃત્ય આચરનાર નરાધમ શિક્ષકો મેળવી રહ્યા છે? તેવો સવાલ પણ આગેવાનોએ પૂછ્યો હતો.