ભાજપ સાથે કોંગ્રેસનું વર્ષોથી અઘોષિત ગઠબંધન છે : ‘આપ’ આવતા પ્રજાને નવો રાહ મળ્યો! યુવા ધારાસભ્ય ગોપાલ ઇટલીયા
આમ આદમી પાર્ટીના ગુજરાતના ઉભરતા નેતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનું બેબાક બોલ સાથે સ્પષ્ટ કહેવું છે કે ભાજપ સાથે કોંગ્રેસ નું વર્ષોથી અઘોષિત ગઠબંધન હતું અને છે જેની આંતરિક ગાંઠો હવે આમ આદમી પાર્ટી આવતા ખૂલવા લાગી છે. બન્ને પક્ષના તાલમેલ વચ્ચે વર્ષોથી એકચક્રી શાસનમાં પિસાતી પ્રજાને `આપ’ આવતા નવો રાહ કે વિકલ્પ મળ્યો છે. રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં પણ વિસાવદરવાળી થશેનો ઈટાલિયાએ વિશ્વાસ અને દાવો વ્યક્ત કર્યો છે.

ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા `વોઈસ ઓફ ડે’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. એમ.ડી. કૃણાલ મણિયાર સાથે રાજકીય, સામાજિક ક્ષેત્રની ચર્ચા કરી હતી. ઈટાલિયાએ આપ એ ભાજપની બી ટીમ છે તેવું કોંગ્રેસ નું કથન છે તે બાબતે વાગ્યબાણ છોડતા કહ્યું કે ભાજપ-કોંગ્રેસ વચ્ચે તો વર્ષોથી અઘોષિત ગઠબંધન છે, જેનો પુરાવો જ જોઈએ તો ગુજરાતમાં વિધાનસભાની 2012, 2017 અને 2022ની ચૂંટણી સમયે આમ આદમી પાર્ટી ક્યાં લડી જ હતી. છતાંય ભાજપ જ વિજયી થતો આવ્યો અને એ પૂર્વેથી એકચક્રી શાસન ભાજપ ચલાવે છે. ખરા અર્થમાં તો વિપક્ષ તરીકે કોંગે્રસે પ્રજાનો વિશ્વાસ જ ગુમાવ્યો અને ભાજપને રોકવાનો કોઈ નક્કર પ્રયાસ જ કર્યો નથી તે જ બતાવે છે કે બન્નેનું અઘોષિત ગઠબંધન છે.

આમ આદમી પાર્ટી આવતા હવે પ્રજાને નવો રાહ, વિશ્વાસરૂપ નવો વિકલ્પ મળ્યો છે. કોંગ્રેસ ને હારના સંશોધન, કારણો શોધવા, સુધાર લાવવાના બદલે ઠીંકરૂ કોઈ પર ફોડવાની આદત છે. આપને બી ટીમ ગણાવે કાં તો ઈવીએમને ઉપાડે, ઈટાલિયાએ કહ્યું કે, ઈવીએમમાં કોઈ ઘાલમેલ (ચેડાં) થતાં નથી. જો આ શક્ય હોત તો ભાજપની આવડી મોટી તાકાત, રાષ્ટ્રીય નેતાઓથી લઈ રાજ્યના મુખ્યમંત્રીથી લઈ મંત્રીઓ, મોટા-મોટા નેતાઓના પડાવ નાખે નહીં અને ઈવીએમથી જીતી જાત. હા, એ સ્પષ્ટપણે માનું છું કે ભાજપ ચૂંટણીમાં ખોટું કરે છે કે કરતો હશે. ભાજપ વિરૂધ્ધ મતદારોને લાભ, લાલચ, પ્રલોભન અને જો એમાં ન આવે તો ધાક, ધમકીઓ આપી મતદાન કરવા જતા અટકાવે, આવી રીતે સત્તાના જોરે પોલીસ, પ્રશાસનનો દુરૂપયોગ કરે જે વિસાવદરમાં પણ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ પ્રજાએ ઈવીએમમાં જ જવાબ આપ્યો હતો અને પ્રજાની દેનથી જ હું વિસાવદરનો ધારાસભ્ય બની શક્યો.

ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ એડિટર પરેશ દવે સાથે પણ વર્તમાન સ્થિતિ અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. ઈટાલિયા સાથે મુલાકાતમાં રાજકોટ આપના આગેવાન શિવલાલભાઈ બારસિયા, દિનેશ જોશી, દિલીપસિંહ વાઘેલા, સંજયસિંહ વાઘેલા જોડાયા હતા.
રાજકોટને સારા રસ્તા પણ નથી આપ્યા, સ્માર્ટ સિટીના નામે નર્યું નાટક!
જો ભાજપ અને કોંગ્રેસ નું ગોઠવાયેલું ન હોત તો આપને થોડી જગ્યા મળેત? પ્રજા હવે બધું પારખી ગઈ છે. રાજકોટમાં શાસકો એક તરફી બહુમતિ છતાં સારા રસ્તાઓ પણ નથી આપી શકતા અને સ્માર્ટ સિટીના નામે માત્રને માત્ર શહેરીજનો સાથે મજાક છે. રાજકોટમાં આમ આદમી પાર્ટી હવે શહેરીજનોનો નવો વિકલ્પ બનીને આવી છે. રાજકોટવાસીઓ મહાપાલિકાની ચૂંટણીમાં વિસાવદરવાળી જ કરશે અને શાસક ભાજપને તાનાશાહીનો વિપક્ષ કોંગ્રેસ ને ખોટા દેખાડાનો જવાબ આપશે.

GST ઘટ્યો એ સારી વાત પણ એમાં ઉત્સવ શેનો?
ઈટાલિયાએ જીએસટી દર ઘટ્યા, લોકોને રાહત મળી તે બાબતે રાજકીય શાબ્દિક ટોણો માર્યો હતો કે જીએસટી વધાર્યો કોણે સરકારે, ઘટાડ્યો કોણે સરકારે. ઘટ્યો એ સારી વાત છે, લોકોને ફાયદો મળશે પરંતુ એમાય ઉત્સવ ? જો કે આ બાબત ઈટાલિયાએ રાજકીય રીતે વિરોધથી વ્યક્ત કરી હોય પરંતુ જીએસટી ઘટના નબળાથી સબળા વર્ગ સુધીના તમામ લોકોને નાનો-મોટો ફાયદો થશે એ પણ વાસ્તવિક્તા છે.
વોટચોરીનો મુદ્દો સર્વપ્રથમ દિલ્હીમાં આપ દ્વારા જ ઉઠાવાયો હતોઃ કોંગ્રેસ તો હવે જાગી
કોંગ્રેસ દ્વારા હાલમાં બિહારની ચૂંટણીને લઈને જે વોટચોરીનો મુદ્દો રાષ્ટ્રીયસ્તરે ગજવ્યો છે, વિરોધ, દેખાવો થઈ રહ્યા છે એ બાબતે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે વોટચોરી ભાજપ કરે છે એ વાત ખરી છે. કોંગ્રેસ ને તો કદાચ હવે રસ પડ્યો અથવા ખબર પડી હશે. વોટચોરીનો મુદ્દો સર્વપ્રથમ તો આમ આદમી પાર્ટીએ જ રાષ્ટ્રીયસ્તરે ઉઠાવ્યો હતો. દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે આપના રાષ્ટ્રીય સંયોજક દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જ કહ્યું હતું કે વોટચોરી થાય છે અને જે તે સમયે આપ દ્વારા વોટચોરીનો વિરોધ, પ્રદર્શન કરાયા હતા. એ સમયે કોંગે્રસે કદાચ ભાજપ સાથે ગોઠવેલું હશે એટલે વિરોધમાં જોડાયા નહીં. હવે વોટચોરી થાય છે તેવું સ્વીકારીને બિહાર ચૂંટણીને લઈને મુદ્દો ઉઠાવ્યો છે.
આમ આદમી પાર્ટી આપબળે જ લડશે
રાજકોટ મહાપાલિકાની ત્રણ માસ બાદ આવી રહેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ) એકલા હાથે આપબળે એટલે કે જનતાના જોરે જ લડશે. કોંગ્રેસ સાથે કોઈ પ્રત્યક્ષ, પરોક્ષ પ્રકારનું ગઠબંધન હશે નહીં અને જનબળે આપ શહેરીજનો માટે નવી આશ બનશે તેવું પણ ઈટાલિયાનું કથન હતું.
