ગુજરાત કેડરના ૮ IPSની તાલીમ પૂરી: રાજકોટ સહિતના જિલ્લામાં પોસ્ટીંગ અપાયું
સીમરન ભારદ્વાજને ધોરાજી, પ્રતીભાને લાલપુર, રોહિતકુમારને વિસાવદર, જયવીર ગઢવીને ધારીમાં એએસપી તરીકે મુકાયા
ગુજરાત કેડરની ૨૦૨૧ અને ૨૦૨૨ બેચના આઈપીએસ અધિકારી તરીકેની બીજા તબક્કાની તાલીમ પૂર્ણ થતાં આઠ અધિકારીઓને રાજકોટ સહિતના જિલ્લામાં પોસ્ટીંગ આપવાનો હુકમ ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો.
આ તમામ અધિકારીએ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમી-હૈદરાબાદ ખાતે પોતાની તાલીમ પૂર્ણ કરી હતી. જે અધિકારીને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે જેમાં સીમરન ભારદ્વાજને એએસપી તરીકે ધોરાજી (રાજકોટ રૂરલ), વાગીશા જોષીને ધંધુકા (અમદાવાદ રૂરલ), સુમન નાલાને દાંતા-બનાસકાંઠા, આયુષ જૈનને દહેગામ-ગાંધીનગર, જયવીર ગઢવીને ધારી, સુ.શ્રી. પ્રતિભાને લાલપુર-જામનગર, રોહિત કુમારને વિસાવદર અને અજય કુમાર મીણાને ઝઘડીયા-ભરુચ ખાતે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.
દરમિયાન આ આઠેય અધિકારીઓએ રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ગવર્નરે તમામને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે પોલીસ તંત્ર થકી લોકોની જે સેવા થઈ શકે એવી સેવા અન્ય વિભાગની નોકરીમાં થઈ શકતી નથી. તપસ્યા, પરિશ્રમ અને બુદ્ધિપ્રતિભાથી આઈપીએસ બન્યા બાદ પોલીસના ઉચ્ચ અધિકારી તરીકે જનસેવા કરવાની તમને સુવર્ણ તક મળી છે જ્યારે જરૂરિયાતમંદ વ્યક્તિને સુખના દિવસો બતાવી શકો તે પ્રકારે ફરજ બજાવજો.
