માણસ-મશીન વધારીને પણ ચોમાસા પહેલાં સર્વેશ્વર ચોકનું કામ પૂર્ણ કરો : મોડીરાત સુધી કામ ચાલુ રાખવા RMC કમિશનરનો આદેશ
રાજકોટ મહાપાલિકા દ્વારા સર્વેશ્વર ચોકમાં જૂના વોંકળાને દૂર કરી નવો વોંકળો બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામ શરૂ થયાને બે મહિના વીતી ગયા છતાં હજુ સુધી કામમાં જોઈએ તેવી ઝડપ આવી રહી ન હોય સાથે સાથે ત્યાં વેપાર કરતા વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી હોય વારંવારની રજૂઆત બાદ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્થળની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સાથે સાથે ઈજનેરોને માણસ-મશીન વધારીને પણ ચોમાસા પહેલાં સર્વેશ્વર ચોકનું કામ પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો.

સર્વેશ્વર ચોકના વોંકળાને 6.60 કરોડના ખર્ચે રિનોવેટ કરવાની કામગીરી ચાલી રહી છે જેમાંથી 80 મીટર લંબાઈની કામગીરી પૂર્ણ થઈ ગયાનું અને બાકી રહેતી 30 મીટરની કામગીરી પણ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવા એજન્સીને સુચના આપવામાં આવી હતી. ખાસ કરીને ચોમાસાને ધ્યાનમાં રાખી યાજ્ઞિક રોડ પરનો બોક્સ કલ્વર્ટનો રાફ્ટ સ્લેબ તેમજ આનુસંગિક કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો. જરૂર પડે તો મોડીરાત સુધી પણ કામ કરવા મ્યુ.કમિશનરે જણાવાયું હતું.
આ ઉપરાંત તેમણે ગવલીવાડ વોંકળા પર રૂા.40 લાખના ખર્ચે જૂનો સ્લેબ કલ્વર્ટ દૂર કરી નવો સ્લેબ બનાવવાની કામગીરી ચાલી રહી હોય જૂનો કલ્વર્ટ દૂર કર્યા બાદ તેનો કાટમાળ ઝડપથી દૂર કરવા સુચના આપી હતી.
