Commonwealth Games 2030: અમદાવાદમાં યોજાઇ શકે છે કોમનવેલ્થ ગેમ્સ-2030, મોદી કેબિનેટે ભારતની બિડને આપી મંજૂરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે 2030 કોમનવેલ્થ ગેમ્સ (CWG) ની યજમાની માટે ભારતના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી. સરકારે અમદાવાદને આ કાર્યક્રમ માટે “આદર્શ શહેર” ગણાવ્યું, અને કહ્યું કે તેમાં વિશ્વ કક્ષાનું સ્ટેડિયમ, અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને રમતગમત માટે ઉત્સાહી વાતાવરણ છે.
ગુજરાત સરકારને સહાય આપવાની મંજૂરી
યજમાન સહયોગ કરાર પર મહોર મારવા માટેની આ બેઠકમાં, ગુજરાત સરકારને ગ્રાન્ટ સહાય આપવાની પણ મંજૂરી આપવામાં આવી છે. જેથી જો ભારત કોમનવેલ્થની યજમાની માટે બોલી જીતે છે, તો તેના માટે તૈયારીઓ કરી શકાય. તમને જણાવી દઈએ કે 72 દેશોના ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સ 2030 માં ભાગ લેશે. આમાં, જો ખેલાડીઓ સાથે કોચ, ટેકનિકલ અધિકારીઓ, ચાહકો, મીડિયાના લોકો પણ ભારત આવશે, તો સ્થાનિક વ્યવસાયને મોટો ફાયદો થશે અને લોકોની આવક પણ વધશે.
અમદાવાદ યજમાની કરી શકે છે
અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે પ્રથમ પસંદગી છે. અહીં વિશ્વ કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, તે પહેલાથી જ 2023 ICC ક્રિકેટ ODI વર્લ્ડ કપ ફાઇનલનું સફળતાપૂર્વક આયોજન કરી ચૂક્યું છે. જો કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં યોજાશે, તો તેનાથી ભારતમાં પ્રવાસન વધશે. આ ઉપરાંત, ભારતના યુવા ખેલાડીઓને રમતગમતમાં કારકિર્દી બનાવવાની પ્રેરણા પણ મળશે.
PIB ના એક પ્રકાશન મુજબ, ‘વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે બોલી લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ભારત અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે દાવો રજૂ કરશે. અગાઉ 14 ઓગસ્ટના રોજ, ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન (IOA)એ તેને મંજૂરી આપી હતી. હવે ભારતે 31 ઓગસ્ટ સુધીમાં અંતિમ બિડિંગ પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે. નવેમ્બરના અંતમાં નક્કી કરવામાં આવશે કે તેને યજમાની મળશે કે નહીં.
કેનેડાએ પીછેહઠ કર્યા પછી ભારતની યજમાનીની શક્યતાઓ વધી
કોમનવેલ્થ ગેમ્સ જનરલ એસેમ્બલી નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ગ્લાસગોમાં યજમાન દેશ અંગે નિર્ણય લેશે. નાણાકીય કારણોસર કેનેડાએ પીછેહઠ કર્યા પછી ભારતની યજમાનીની શક્યતાઓ વધી ગઈ છે. કેબિનેટ બેઠક પછી જારી કરાયેલ PIB ના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદ રમતોનું આયોજન કરવા માટે એક આદર્શ શહેર હશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમદાવાદમાં વિશ્વસ્તરીય સ્ટેડિયમ, અત્યાધુનિક પ્રેક્ટિસ સુવિધાઓ અને રમતગમત સંસ્કૃતિ છે.
ICC 2023 ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલનું આયોજન વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.’ યા મહિને, કોમનવેલ્થ સ્પોર્ટ ડિરેક્ટર ડેરેન હોલના નેતૃત્વમાં એક ટીમે અમદાવાદમાં સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે ગુજરાત સરકારના અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી. કોમનવેલ્થ સ્પોર્ટ એ સંસ્થા છે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે.
ભારતે પણ 2036 ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની ઇચ્છા વ્યક્ત કરી
ભારતે પણ 2036 ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને અમદાવાદ તેના માટે પણ દોડમાં આગળ છે. આ માટે માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની સાથે, સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ એક મુખ્ય સ્થળ છે જ્યાં બાંધકામ કાર્ય ચાલી રહ્યું છે. 72 દેશોના ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લે છે અને સરકાર માને છે કે આનાથી સ્થાનિક વ્યવસાયોને વેગ મળશે અને આવક થશે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ ઉપરાંત, રમતગમત વિજ્ઞાન, ઇવેન્ટ મેનેજમેન્ટ, લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન કોઓર્ડિનેટર, બ્રોડકાસ્ટ અને મીડિયા, IT, કોમ્યુનિકેશન અને જનસંપર્ક જેવા ઘણા ક્ષેત્રોના નિષ્ણાતોને તક મળશે.
સરકાર માને છે કે આટલી મોટી ઇવેન્ટનું આયોજન કરવાથી રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની લાગણી મજબૂત થશે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ‘આનાથી દેશનું મનોબળ વધશે. આનાથી ખેલાડીઓની નવી પેઢી રમતગમતને કારકિર્દીના વિકલ્પ તરીકે અપનાવવા અને તમામ સ્તરે રમતગમતમાં ભાગીદારી વધારવા માટે પ્રેરિત થશે. કોમનવેલ્થ ગેમ્સ 2026 ગ્લાસગોમાં યોજાશે જેમાં કુસ્તી, શૂટિંગ, બેડમિન્ટન અને હોકી જેવી રમતોનો સમાવેશ કરવામાં આવશે નહીં. IOA એ સ્પષ્ટપણે કહ્યું છે કે જો ભારતને 2030 રમતોના યજમાન અધિકારો મળે છે, તો આ બધી રમતોનો તેમાં સમાવેશ કરવામાં આવશે.
