5 દિવસ વરસાદ ન પડે તો રાજકોટને ‘ખાડામુક્ત’ કરવાની કમિશનરની ગેરંટી : ખાડા બૂરવા માટે અમદાવાદ-સુરતે અપનાવેલી SOPનું પણ કરાશે પાલન
રાજકોટમાં અત્યાર સુધીમાં કટકે કટકે 20 ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે પરંતુ આટલા વરસાદમાં 1723 જેટલા ખાડા પડ્યા હોવાનું સત્તાવાર નોંધાયું છે અને તેમાંથી 1400 જેટલા ખાડા બૂરી દેવાયા હોવાનો દાવો પણ કરાયો છે ત્યારે જો પાંચ દિવસ સુધી વરસાદ ન પડે તો આખુંયે રાજકોટ `ખાડામુક્ત’ બનાવી દેવાની ગેરંટી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે ખાડા બૂરવા સહિતના મુદ્દે અમદાવાદ અને સુરતે એસઓપી બનાવી છે જેનું હવે રાજકોટ મહાપાલિકા પણ પાલન કરી ચોમાસા પહેલાં, ચોમાસા દરમિયાન અને ચોમાસા બાદ ખાડા માટે શું કરવું તેનું પ્લાનિંગ કરી લેવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ કમિશનર સોમવારે વેસ્ટ ઝોનના અલગ-અલગ વિસ્તારોમાં ઈજનેર સહિતની ટીમ સાથે ફર્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે શહેરમાં જેટલા પણ ખાડા પડ્યા છે તે તમામની ગણતરી કરી લેવામાં આવી છે અને યુદ્ધના ધોરણે તેને બૂરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ માટે તમામ ટીમને ફિલ્ડ ઉપર રહેવા આદેશ અપાયો છે અને જો આ રીતે જ પાંચ દિવસ સુધી વરસાદ ન વરસે તો તમામ ખાડા બૂરી દેવામાં આવશે.
આ પણ વાંચો : યમનમાં ભારતીય મૂળની નર્સ નિમિષાની ફાંસીની સજા ટળી : બંને દેશના ધર્મગુરુઓએ કરી વાતચીત,જાણો કોની હત્યાનો આરોપ
આ દરમિયાન મોટામવામાં રામેશ્વર પાર્કમાં રહેતાં મહિલાઓએ રોડ-રસ્તા બાબતે રજૂઆત કરી હતી જેનો પ્રત્યુત્તર આપતાં કમિશનરે કહ્યું હતું કે આ વિસ્તારમાં ડીઆઈ અને ડ્રેનેજ લાઈન બિછાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય હવે ચરેડાં બૂરવાનું શરૂ કરાશે.
આ ઉપરાંત અમદાવાદ-સુરત દ્વારા જે એસઓપી બનાવવામાં આવી છે તેમાં ખાડા ખોદવા માટે ગેસ, ટેલિકોમ સહિતની એજન્સીઓએ પરવાનગી લેવાની અને તેમાં ક્યારે ખાડા કરશે અને ક્યારે બૂરશે તેની તારીખ દર્શાવવી ફરજિયાત કરાઈ છે. આ ઉપરાંત જો નિશ્ચિત તારીખમાં ખાડા નહીં બૂરે તો નવેસરથી મંજૂરી લેવા માટેની પ્રક્રિયા કરવી પડશે.
તમારી ફરિયાદનો ઉકેલ આવ્યો ? ડે.કમિશનરે કર્યું ક્રોસચેકિંગ

મ્યુનિ.કમિશનર દ્વારા વેસ્ટ ઝોનના અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી તો નાયબ મ્યુનિસિપલ કમિશનર મનિષ ગુરવાની વોર્ડ નં.6માં પહોંચ્યા હતા જ્યાં તેમણે રસ્તા રિપેરિંગ તેમજ ખાડા બૂરવાની કામગીરી તેમજ લોકોએ કરેલી ફરિયાદનો વ્યવસ્થિત નિકાલ આવ્યો કે નહીં તે અંગેનું ફરિયાદી સાથે ફોન તેમજ રૂબરૂ ક્રોસચેકિંગ પણ કર્યું હતું. તેમણે પાંજરાપોળ નજીક ઈન્દિરા બ્રિજ પાસે રોડ રિપેરિંગ તેમજ ચંપક સોસાયટીમાં ચરેડાં વર્કના કામનું નિરીક્ષણ પણ કર્યું હતું.