રાંધણ ગેસનો કોમર્શીયલ બાટલો ફરી મોંઘો થયો
તહેવારો પહેલા મોંઘવારીનો માર : ઘરેલું બાટલાની કિમત યથાવત
તહેવારોની સિઝનમાં પહેલા જનતાને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. પહેલી નવેમ્બરથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાથી વધુનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો. આ ભાવ વધારાની સીધી અસર ફૂડ ઈન્ડસ્ટ્રી અને રેસ્ટોરન્ટ બિઝનેસ પર થશે. જયારે તહેવારોની સીઝનમાં લોકો માટે રેસ્ટોરન્ટમાં જમવાનું અને મીઠાઈ-ફરસાણ મોંઘા થઈ શકે છે.
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1,833 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જે પહેલા 1731 રૂપિયામાં મળતો હતો. મુંબઈમાં સિલિન્ડરની કિંમત વધીને 1785.50 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1684 રૂપિયા હતી.
જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતો યથાવત રાખી હતી. નોંધનીય છે કે 1લી ઓક્ટોબરે પણ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં લગભગ 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને એક મહિના પછી આજે 1 નવેમ્બરે તેમાં વધુ વધારો કરવામાં આવ્યો હતો. આમ એક મહિનામાં ફૂલ 312 રૂપિયાનો વધારો નોંધાયો છે.