લો બોલો! પોલીસે જ પોલીસને ચોપડ્યો ચૂનો: રાજકોટમાં નિવૃત્ત ASIના પુત્ર-પુત્રવધૂ દાગીના ઓળવી ગયા, જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતાં અને ત્યાં જ એએસઆઈ તરીકે ફરજ બજાવતાં યુવકના પત્નીના થોડા સમય પહેલાં જ નિવૃત્ત થયેલા એએસઆઈના પુત્ર તેમજ પુત્રવધૂએ દાગીના ઓળવી જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે એએસઆઈ ઈન્દ્રજીતસિંહ ઝાલાના પત્ની છાયાબાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ પતિ સાથે હેડ ક્વાર્ટરમાં છેલ્લા ચાર વર્ષથી રહે છે. તેમના જ બ્લોકમાં જીવરાજભાઈ સવજીભાઈ મકવાણા પણ રહેતાં હોય બન્ને પરિવાર વચ્ચે સારા સંબંધ હતા. જીવરાજભાઈના પુત્રની પત્ની બીનાબેન ઈન્દ્રજીતસિંહને દર વર્ષે રાખડી પણ બાંધતી હતી. દરમિયાન 2025ના છઠ્ઠા મહિનામાં જીવરાજભાઈ નિવૃત્ત થતાં તેમણે ક્વાર્ટર ખાલી કરી કોઠારિયા રોડ પર રહેવા ચાલ્યા ગયા હતા. તે પહેલાં 2022માં ઈન્દ્રજીતસિંહને બીમારી થતાં તેમની સારવાર પણ ચાલી રહી હતી.
આ પણ વાંચો :રાજકોટના વડાલિયા ફૂડના સંચાલકને કપચીના ધંધામાં રોકાણ કરાવી 10.98 કરોડનો ધૂંબો માર્યો: 2 શખસો સામે ફરિયાદ, એકની ધરપકડ
2023માં બીનાબેને લગ્નપ્રસંગમાં પહેરવા માટે છાયાબા પાસેથી ઘરેણા લીધા હતા જે પ્રસંગ પૂર્ણ થઈ ગયા બાદ પણ પરત આપ્યા ન્હોતા અને તે ઘરેણા ગીરવે મુકી લોન લઈ લીધી હતી. ઘરેણાની વારંવાર ઉઘરાણી કરવા છતાં પરત તો ન્હોતા કરી રહ્યા ઉલટાના અન્ય ઘરેણા પણ છાયાબા પાસેથી મેળવી લઈ તેને પણ ગીરવે મુક્યા હતા. એક બાજુ પતિની બીમારી અને બીજી બાજુ પોતાના જ ઘરેણા પરત મળી રહ્યા ન હોય આખરે છાયાબાની ધીરજ ખૂટી હતી. તેમણે ઘણા લાંબા સમય સુધી ઘરેણા ઉછીના આપ્યાની વાત કરી ન્હોતી. જો કે જીવરાજભાઈ મકવાણાના પુત્ર અને પુત્રવધૂ વાયદા જ કર્યે રાખતા હોય આખરે બન્ને વિરુદ્ધ પ્ર.નગર પોલીસ મથકમાં 9.81 લાખ રૂપિયાના દાગીના ઓળવી ગયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે બીના સાગરભાઈ મકવાણા અને સાગર જીવરાજભાઈ મકવાણા સામે ગુનો દાખલ કર્યો હતો.
